Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોના સામે જંગ:શ્રી મારૂતિ કુરિયર ભારતમાં તેના નેટવર્કમાં રિટેલ ગ્રાહકોને દવાઓની ડિલિવરી નિઃશુલ્ક પૂરી પાડશે:રામભાઈ મોકરીયા

ગ્રાહકે દવાઓની સાથે દર્દીના આધારકાર્ડની નકલ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, મેડિકલ સ્ટોરનું બિલ આપવાનું રહેશે: દવાઓ ભારતમાં શ્રી મારૂતિ કુરિયરની 2,900 ઓફિસ કે આઉટલેટ્સ પૈકી ગમે ત્યાં પહોંચી શકે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: કોવિડ-19 મહામારી લોકોને તેમના સ્વજનોને મદદ પહોંચતી કરવા માટે રોજ નવા પડકારો ઊભા કરી રહી છે ત્યારે ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી શ્રી મારૂતિ કુરિયર પ્રાઈવેટ લિમિટેડ જરૂરિયાત મંદોની વહારે આવી છે. કંપનીએ રિટેલ ગ્રાહકો માટે ભારતમાં તેના નેટવર્કમાં દવાઓની નિઃશુલ્ક ડિલિવરી પૂરી પાડવાની જાહેરાત કરી છે.
લોકોને મદદ આપવાના હેતુથી કુરિયર કંપનીની પહેલ અંગે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના સંસ્થાપક અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તેમજ મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરીયાએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન લોકો માટે તેમના સ્વજનોને દવાઓ મોકલવામાં સમસ્યાઓ નડી રહી છે. નાગરિકોને મદદ પૂરી પાડવાના ઉમદા હેતુ સાથે અમે સામાન્ય માણસને કુરિયર સેવાઓ પૂરી પાડવા માટે એક પહેલ હાથ ધરી છે. કોઈપણ વ્યક્તિ તેમના સ્વજનોને દવાઓ પહોંચતી કરવા માંગતા હોય તે ભારતમાં શ્રી મારૂતિ કુરિયરની 2,900 ઓફિસ કે આઉટલેટ્સ પૈકી ગમે ત્યાં પહોંચી શકે છે.

કુરિયર ચાર્જ આપ્યા વગર દવા મેળવી શકશે ગ્રાહકે દવાઓની સાથે દર્દીના આધારકાર્ડની નકલ, ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, મેડિકલ સ્ટોરનું બિલ આપવાનું રહેશે. કંપની ગ્રાહક જ્યાં દવાઓ મોકલવા માંગતા હોય તે સ્થળની નજીક આવેલા શ્રી મારૂતિ કુરિયરના આઉટલેટ પર આ દવાઓ પહોંચતી કરશે. ગ્રાહક આ આઉટલેટ પર જઈને કોઈપણ જાતનો કુરિયર ચાર્જ ચૂકવ્યા વિના પોતાનું પાર્સલ મેળવી શકશે. કંપનીના સ્ટાફની સલામતી અને ડિલિવરીના સ્થળે બહારના વ્યક્તિઓની સંભવિત પ્રવેશબંધીના નિયમોને ધ્યાનમાં રાખીને શ્રી મારૂતિ કુરિયરની ઓફિસથી ઓફિસ ડિલિવરી કરવામાં આવશે.

15 હજારનો સ્ટાફ ડિલિવરી માટે પ્રતિબદ્ધ શ્રી મારૂતિ કુરિયર લોકડાઉનના સમયથી સતત કાર્યશીલ રહી છે. દેશભરમાં 15,000થી વધુનો પ્રતિબદ્ધ સ્ટાફ અવિરતપણે કામ કરી રહ્યો છે જેથી પાર્સલની ચોક્સાઈપૂર્વક અને સમયસર ડિલિવરી થઈ શકે. કંપની આવશ્યક ચીજ વસ્તુઓની ડિલિવરી માટે વિવિધ સરકારી સંસ્થાઓ અને એકમો સાથે પણ ઘનિષ્ઠપણે કામ કરી રહી છે. છેલ્લા અનેક વર્ષોથી શ્રીમારૂતિ કુરિયરે કુરિયર્સ અને પાર્સલ્સની સમયસર અને ચોક્સાઈપૂર્વકની ડિલિવરી માટે અગ્રણી કંપની તરીકે નામના મેળવી છે.
કુરિયર કંપનીની 4600 પિનકોડ પર સેવાઓ હાલ, શ્રી મારૂતિ કુરિયર 2,900 આઉટલેટ્સ સાથે દેશવ્યાપી નેટવર્ક ધરાવે છે અને ભારતભરમાં તેની 89 પ્રાદેશિક ઓફિસો અવિરતપણે કામગીરી કરી રહી છે. કંપની 868 શહેરો તથા નગરોમાં હાજરી ધરાવે છે અને 4,600 પિન કોડ્સમાં સેવાઓ પૂરી પાડે છે. કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ રૂટ દ્વારા દૈનિક 2.5 લાખ કુરિયર અને કન્સાઈનમેન્ટ્સની કામગીરી હાથ ધરે છે.

(10:02 pm IST)