Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ભાવનગરના ઇન્દિરાનગરમાં પીવાના પાણીની ભારે તંગી

પાણી આવે ત્યાં લોકોની ભીડ એકત્ર થઇ રહી છે : સ્થાનિક રહીશોને કાળઝાળ ગરમી, કોરોનાની મહામારીમાં એક મહિનાથી પીવાનાં પાણી માટે વલખા મારવા પડે છે

ભાવનગર : શહેરનાં માર્કેટિંગ યાર્ડ નજીક આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા લોકો પીવાનાં પાણી માટે છેલ્લા એક મહિનાથી વલખા મારી રહ્યા છે. કાળઝાળ ગરમી અને કોરોનાની મહામારીમાં પિવાનાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જ્યાં પાણી આવે ત્યાં મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકત્ર થઇ રહી છે.

ભાવનગર શહેરમાં ઘણા લાંબા સમયથી વિવિધ પછાત વિસ્તારોમાં પીવાનાં પાણીનો મોટો મુદ્દો અકબંધ છે. જો કે હાલનાં આકરા ઉનાળામાં અને કોરોનાની મહામારી દરમિયાન પિાનાં પાણીનો પ્રશ્ન ગરીબ મધ્યમ વર્ગનાં પરિવારો માટે હાલ જીવ હોડમાં મુકવા સમાન થઇ ચુક્યો છે. ત્યારે શહેરનાં પછાત એવા કુંભારવાડા, આનંદનગર, કરચલીયાપરા, ખેડૂતવાસ, નારી સાથે હાલમાં શહેરનાં પ્રવેશદાર આખલોલ પાસે આવેલા ઇન્દિરાનગરમાં છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી પીવાનું પાણી નહી મળતા રોજનો કકળાટ જોવા મળી રહ્યો છે.

પાણી પ્રશ્ને સ્થાનિકો દ્વારા અનેકવાર નેતાઓને રજુઆતો કરવા છતા નેતાઓ અને અધિકારીઓ ફરકતા પણ નથી. મેયરને રજુઆત કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે તેમને અંદર જતા અટકાવ્યા હતા. રજુઆત પણ કરવા દીધી નહોતી. આખરે ત્રણ ઇન્દિરાનગર વિસ્તારનાં રહીશોને જવા દઇ રજુઆત કરી હતી. ભાવનગરનાં મેયર દ્વારા જણાવાયું કે, તમારો પાણીનો પ્રશ્ન ઉકલી જશે.

(9:15 pm IST)