Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અદાણી જૂથનું મિશન "નેશન ઓક્સિજન": સાઉદી અરેબિયાથી ૬૦ ટન પ્રવાહી ઓક્સિજન મુન્દ્રા આવી પહોંચ્યું

કોરોના કહેરમાં અદાણી ગ્રુપ "મિશન ઓક્સિજન" દ્વારા દેશના નાગરિકો સાથે, થાઈલેન્ડથી ૭ ટેન્ક પૈકી આજે ૪ ટેન્ક મુંબઈ પહોંચશે, દુબઈથી ૧૨ ટેન્ક માટે કરાર

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : ભારતમાં હાલ કોરોના મહામારી એની ચરમસીમા પર છે અને સંક્રમણ વધી રહ્યું છે.  સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓની સેવામાં દિવસ રાત કાર્યરત છે. કોરોના ક્રિટિકલ કેસોની સારવારમાં ઓક્સિજન એક મહત્વનું પાસું બની ગયું છે. ભારતમાં દરેક રાજ્યોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે કેન્દ્ર સરકાર સ્પેશિયલ ઑક્સીજન ટ્રેનો દોડાવી રહી છે જેને ગ્રીન કોરિડોર આપવામાં આવી રહ્યો છે.
એક જવાબદાર ઔદ્યોગિક જુથ તરીકે અદાણી ગ્રુપ વિશ્વભરમાંથી ભારત માટે આ કપરા સમયમાં ઓક્સિજન સપ્લાય સુરક્ષિત કરવાના મિશન પર છે. જેના ભાગરૂપે સફળતાપૂર્વક ૬૦ ટન પ્રવાહી ઓક્સિજનવાળી ૩ આઇએસઓ ક્રેઓજેનિક ટેન્કનું આ પ્રથમ શિપમેન્ટ હવે સાઉદી અરેબિયાના દમ્મામથી મુન્દ્રા, ગુજરાત ખાતે ઉતારવામાં આવ્યું હતું.  દુબઈથી અદાણી ગ્રૂપ દ્વારા પ્રવાહી ઓક્સિજન વધુ ૧૨ ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટેન્ક મેળવવામાં પણ દુબઈની સરકાર અને ભારતીય વાયુસેના સાથે અદાણી જુથ સાથે સહયોગ કર્યો છે. થાઈલેન્ડથી અદાણી ગ્રૂપ દ્વારા ૭ વધુ ક્રિઓજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટાંકીઓ ભારત આવી રહી છે. તેમાંથી ૪ આજે બેંગકોકથી ભારતીય વાયુસેના ના ખાસ વિમાન દ્વારા ઉતારવામાં આવશે. ક્રિઓજેનિક ઓક્સિજન ટાંકી ખૂબ જ ઉપયોગી છે કારણ કે ગેસના સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપ ઓક્સિજન વધુ માત્રમાં પરિવહન કરી શકાય છે.

(8:53 pm IST)