Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

જુનાગઢમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો

જુનાગઢના આપના ઘર ખાતે સિનિયર સિટીઝન જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું

જુનાગઢ તા. ૧: સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ, શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ અને અનુબંધ ફાઉન્ડેશન-અમદાવાદના સંયુકત ઉપક્રમે અપના ઘર (વૃદ્ધાશ્રમ) ખાતે સિનિયર સિટીઝન જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.

રપ થી ૩૦ વર્ષનો ઘર સંસાર સજોડે વિતાવ્યા પછી કોઇપણ કારણસર જયારે જોડી ખંડિત થોાય છે ત્યારે ખાલીપો આકરો લાગે છે. ૬૦ વર્ષની ઉંમર પછી સ્ત્રી અને પુરૂષને એકબીજાનો આધાર હુફ અને લાગણીની જરૂર સવીષેસ રહે છે. આવા કારણોસર જીવનસાથી સંમેલન યોજવાનો મુખ્ય ઉદ્દેશ આ સંસ્થાઓએ કર્યો છે.

આ જીવનસાથી સંમેલનમાં ૧ર૮ જેટલા પુરૂષો અને ૩૮ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને અદભૂત રીતે બંને અજાણ્યા પત્રોને પરિચય તેમજ પર્સનલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આવેલ તમામ ભાઇ બહેનો માટે સિનિયર સીટીઝન મંડળ વતી ભોજન, ચા પાણી વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ સંમેલનમાં સિનિયર સીટીઝન મંડળના પ્રમુખ જે. બી. માકડ, અનુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ નટુભાઇ પટેલ, સિનિયર સીટીઝન મંડળના મંત્રી જે. એમ. ઝાલાવડીયા, અપના ઘરના પ્રમુખ વિજયભાઇ કીકાણી, સિનિયર સીટીઝન મંડળના ઉપપ્રમુખ આઇ.યુ. સિડા, અનુબંધ ફાઉન્ડેશનના મંત્રી મુકતાબેન પંચાલ વગેરેએ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સિનિયર સીટીઝન મંડળના ટ્રસ્ટી વજસીભાઇ સોલંકી, લલિતભાઇ દવે, વિમલભાઇ વોરા, રસ્મીબેન વિઠલાણી, રમેશભાઇ મહેતા વગેરેએ ભારે જહેમત કરીને કાર્યક્રમને સફળતા અપાવી હતી.

(1:07 pm IST)