Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

માધવપુરના મેળામાં ઉત્તર-પૂર્વ રાજયો તથા ગુજરાતની પ્રાચીન સંસ્‍કૃતિના દર્શન : ભાનુબેન બાબરિયા

સામાજિક ન્‍યાય અને મહિલા બાળ કલ્‍યાણમંત્રી ભાનુબેન, સહકાર અને ઉદ્યોગમંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઇ વેકરીયા સહિત મહાનુભાવોએ માધવપુરનો મેળો માણ્‍યો : મેળામાં નાગાલેન્‍ડના કલાકારોએ ઉત્તરપૂર્વ તેમજ પોરબંદર જિલ્લાના કલાકારોએ ઘેડ સંસ્‍કૃતિ કૃતિઓ રજુ કરી : નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં ભારતની સંસ્‍કૃતિ વિરાસતોને જોડવાનું કાર્ય થઇ રહ્યું છે : જગદીશભાઇ વિશ્વકર્મા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧ : માધવપુર મેળાના બીજા દિવસે રાજયના સામાજિક ન્‍યાય અને મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ માધવપુરનો ભાતીગળ મેળો માણ્‍યો હતા.

રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્‍યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ માધવપુરના મેળામાં ઉદ્‌બોધન આપતા જણાવ્‍યું હતું કે મેળાએ આપણી સંસ્‍કૃતિ વિરાસતના અભિન્ન અંગ છે ગુજરાતના પ્રખ્‍યાત મેળા શિવરાત્રી મેળા, તરણેતરનો મેળો અને માધવપુરનો મેળો ગુજરાતવાસીઓના હૃદયના ધબકારા સમાન છે .માધવપુરનો મેળો એ આપણી ધરોહર છે .ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સાથે જોડતી કડી છે. માધવપુરના ઘેડના મેળામાં ઉત્તર પુર્વ અને ગુજરાતની પ્રાચીન સંસ્‍કૃતિના દર્શન થાય છે. તેમણે જણાવ્‍યું હતું કે ભગવાન શ્રીકૃષ્‍ણ અને વિદર્ભના રાણી રુકમણી ના લગ્ન પ્રસંગને આ માણવાનો એક અવસર  માધવપુરનો મેળો છે.

મંત્રી જગદિશભાઈ વિશ્વકર્માએ ભગવાન માધવરાયજીની જય બોલાવતા જણાવ્‍યું હતું કે,આદીકાળથી ભારતીય સંસ્‍કૃતિના વારસાને સાચવવાનુ અને મંદિરો સાંકૃતિક વિરાસત બાંધવાનુ કામ  રાજા મહારાજાઓ દ્રારા કરવામાં આવ્‍યુ છે . આઝાદીના ૭૫ વર્ષ પછી   સંસ્‍કૃતીને ઊજાગર કરવાનું કામ, આઝાદીના અમૃતકાળમાં ઈતીહાસને ઉજાગર  કરીને ઉતર પુર્વ રાજયને માધવપુરના મેળા દ્વારા જોડવાનુ   અને ઈતિહાસના પાનામાં દબાયેલ વાતોને ઉજાગર કરવાનુ કામ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા  થઈ રહ્યુ છે. મંત્રીએ  સૌરાષ્ટ્ર તમિલ સંગમની વાત કરતા જણાવ્‍યુ હતુ કે સોમનાથની આસપાસના લોકો માયગ્રેટ થઈ અને મદુરાઈ પહોંચ્‍યા હતા અને ત્‍યાં મધુરાયના રાજા દ્વારા આશરો આપવામાં આવ્‍યો હતો આ તમિલ સંગમના કાર્યક્રમ થકી આ માઇગ્રેડ થયેલા મૂળ ગુજરાતના લોકોને ૧૭ એપ્રિલના સોમનાથ ખાતે તમિલ સંગમના કાર્યક્રમ થકી જોડવાનું કામ વડાપ્રધાનશ્રીના નેતૃત્‍વમાં થઈ રહ્યું છે .વધુમાં જણાવતા કહ્યું હતું કે માધવપુરના મેળોની આજે ભારત અને વિશ્વમાં ઓળખ થઈ છે.

નાયબ મુખ્‍ય દંડક કૌશિકભાઇ વેકરીયાએ પ્રવચનમાં જણાવ્‍યું હતું કે મેળાએ આપણી સંસ્‍કૃતિના પ્રતીક છે અને આ પરંપરાને જાળવવા કેન્‍દ્રને રાજય સરકાર કટિબંધ છે તેમણે માધવપુરમાં ચૈત્ર વદ નોમથી તેરસ એમ પાંચ દિવસ સુધી યોજાતા મેળાના આયોજન બદલ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ને અભિનંદન પાઠવ્‍યા હતા.

માધવપુર ઘેડના મેળામાં બીજા દિવસે નાગાલેન્‍ડના કલાકારોએ ઉત્તર પુર્વના અને પોરબંદર જિલ્લાના સ્‍થાનિક કલાકારોએ ઘેડની સંસ્‍કૃતી રજુ કરી હતી તેમજ આસામના વિધાર્થીઓએ માધવપુર ઘેડનો મેળો માણ્‍યો હતો અને સ્‍વાગત પ્રવચન ઈન્‍ચાર્જ ડી ડી ઓ શ્રી રેખાબા સરવૈયાએ કર્યુ હતુ. 

ધારાસભ્‍યો ભગવાનજીભાઈ કરગઠીયા, જનકભાઇ તલાવીયા,પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા, અધિક કલેક્‍ટર મેહુલભાઈ જોષી સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને લોકસાહિત્‍યકાર અને ડાયરાના કીર્તિદાન ગઢવી વગેરેએ  ગીતો , કૃષ્‍ણ અને રૂક્ષ્મણીની વિવિધ પ્રસંગો તેમજ સંસ્‍કૃતીના મહત્‍વની વાતો પોતાની આગવી શૈલીમાં રજુ કરીને પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા.

(1:29 pm IST)