Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

માધવપુરમાં માધવરાયજી અને રૂક્ષ્મણીજીના મંદિરોના વિકાસ માટે મંજુર ૩૮ કરોડની ટેન્‍ડર પ્રક્રિયા અધુરી

પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧ : માધવપુરના ચાલી રહેલા  મેળા દરમિયાન કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્‍યમંત્રીને રજુઆત કરીને રાજય સરકાર  દ્વારા માધવપુરમાં માધવરાયજી અને રૂક્ષ્મણીજીના મંદિરોના વિકાસ માટે ૩૮ કરોડનાં પ્રોજેકટની અધુરી ટેન્‍ડર પ્રક્રિયા વહેલી તકે પુર્ણ કરવા માંગણી કરાઇ છે.

પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા રાજયસરકાર અને મુખ્‍યમંત્‍ી સમક્ષ એવા સવાલો ઉપસ્‍થિત કરવામાં આવ્‍યા છે કે ભગવાન શ્રી કૃષ્‍ણ જયાં માધવ સ્‍વરૂપે બિરાજમાન છે તે માધવપુર વિકાસના દ્વાર ખુલ્‍યા હોય તેમ માધવરાય મંદિર અને રૂક્ષ્મણી મંદિરના વિકાસ માટે ગત વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે. જેના ભાગરૂપે મંદિરના વિકાસ માટે ૩૮,૯૬,૮૦,૩રરની રકમ મંજુર કરવામાં આવી હતી અને આ માટેની ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

હાલમાં જ કરોડો રૂપીયાનો ખર્ચ કરીને રાષ્‍ટ્રીય કક્ષાના માધવપુરના મેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે અને આ મેળાને મહાલવા લાખોની સંખ્‍યામાં લાખોની સંખ્‍યામાં લોકો ઉમટી પડયા.  માધવપુરને પ્રવાસન ક્ષેત્રે રાષ્‍ટ્રીય ફલક ઉપર લઇ જવાના પ્રયાસો કરવામાં આવી રહયા છે. માધવરાય મંદિર, રૂક્ષ્મણી મંદિર સહીતના પૌરાણીક સ્‍થાનોની કાયાપલ કરવા માટેનો ગત વર્ષે એક પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્‍યો હતો અને આ પ્રોજેકટ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ સમક્ષ રજુ કરવામાં આવ્‍યો હતો. તેમણે પણ માધવપુરના વિકાસ માટે મંજુરીની મહોર મારી દીધી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ દ્વારા માધવરાયમંદિર સહીતના પૌરાણીક સ્‍થાનોના નવીનીકરણ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. આ માટે રૂા. ૩૮,૯૬,૮૦,૩રરની રકમ મંજુર કરવામાં આવી છે અને આ માટે ટેન્‍ડર બહાર પાડવામાં આવ્‍યું હતું.

આ જાહેર નિવિદામાં ઓનલાઇન ટેન્‍ડર મંગાવવામાં આવ્‍યા હતા. ટેન્‍ડર ખોલવાની તારીખ ૧ર-૭-ર૦રર હતી. મંદીરના નવીનીકરણ અને માધવપુર ગામના વિકાસથી દેશ વિદેશના પ્રવાસીઓ આવશે. જેના કારણે માધવપુર તેમજ આસપાસના વિસ્‍તારના લોકોને રોજગારીની વિપુલ તકો પણ પ્રાપ્ત થશે. માધવપુરના વિકાસને લઇને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાની મોટી જાહેરાત થતા લોકોને એવુ લાગ્‍યું હતુ કે હવે માધવપુરનો વિકાસ થશે પરંતુ કોઇ પણ પ્રકારની નક્કર કામગીરી હજુ સુધી થઇ હોય તેવું ધ્‍યાને આવ્‍યું નથી તેમ કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ છે.

(3:00 pm IST)