Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા સ્થિત સરકારી વિનયન કોલેજનું 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ'તરીકે નામકરણ

ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ગુજરાત સરકારનો સ્તુતીય નિર્ણય : ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માનતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી

રાજકોટ : મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત જન્મભૂમિ ચોટીલા સ્થિત સરકારી વિનયન કોલેજનું રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ તરીકે નામકરણનો ગુજરાત સરકાર દ્વારા સ્તુતીય નિર્ણય કરાયો છે. આ પંથકમાં શિક્ષણક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી આ કોલેજની સ્થાપના ૨૦૧૨માં થઈ છે. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો હ્રદયથી આભાર માન્યો છે. પિનાકી મેઘાણી ઉપરાંત લોકગાયક અભેસિંહ રાઠોડ, કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, કોલેજના પ્રાચાર્ચ ડો. સી. બી. બાલસએ લાગણીથી પ્રેરાઈને નામકરણ અંગે સવિશેષ પ્રયાસો કર્યા હતા.

ઝવેરચંદ મેઘાણીના જીવન-કાર્યથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી આ કોલેજમાં મેઘાણી-તકતી અને મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થાય તેવી લોકલાગણી છે.  (૨૨.૧૭)

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:41 am IST)