Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં જીવન જરૂરી ચીજવસ્તુઓની હેરફેર માટે ર૮૦૦ થી વધુ પાસ વિતરણ : ૧૧ર વ્યકિતઓ સામે જાહેરાનામા ભંગના કેસ

સુરેન્દ્રનગર, તા ૧ :  જિલ્લામાં પ્રજાજનોને શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી આવશ્યક ચીજવસ્તુઓની અગવડ ન પડે તે માટે શાકભાજી અને અનાજ કરિયાણાનું વહન કરતા વાહનો તથા વ્યકિતઓને કુલ ૨૮૦૦ થી વધુ  પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેથી આવી ચીજવસ્તુઓનું પરિવહન નિર્વિઘ્ને કરી શકાય.

શાકભાજીના વેચાણ માટે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વેચાણ કેન્દ્રોની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે.  આ સાથે જ પ્રજાને શાકભાજી જેવી કોઈ પણ જાતની ચીજવસ્તુઓ તકલીફ કે મુશ્કેલી વગર મળી રહે તે માટે શાકભાજીનુ વેચાણ કરતા ફેરીયાઓને પણ શહેરના અલગ - અલગ વિસ્તારમાં સોસાયટીમાં જઈ શાકભાજી વેચાણ કરવા જણાવાયું છે.

  સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓની વાત કરીએ તો અહીં, જિલ્લા પ્રશાસનની સંનિષ્ઠ કામગીરીના કારણે અત્યાર સુધી એક પણ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો નથી. છતાંય જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સ્ક્રિનિંગની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સરહદી જિલ્લાની બોર્ડર ઉપર પણ પોલીસ કર્મીઓની સાથે આરોગ્ય કર્મીઓ દ્વારા આવતા જતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે.

  દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જાહેરનામું જારી કરી, તેની અમલવારી કરવામાં આવી રહી છે. આ જાહેરનામનું જિલ્લામાં કયાંય પણ ઉલ્લંદ્યન ન થાય, તથા સોશિયલ ડિસ્ટન્સ સુપેરે જળવાઈ રહે તે માટે ઠેર ઠેર પોલીસના જવાનો ફરજ નિયુકત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંદ્યન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી ૩૪૪ જેટલા વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે તેમજ જાહેરનામાનો ભંગ કરનારા ગુનેગારો વિરૂધ જિલ્લામાં કૂલ ૧૧૨ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

(12:04 pm IST)