Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કોડીનારની પાંચ યુવતીઓને કચ્છના મુસ્લિમ અગ્રણીએ સહીસલામત ઘરે પહોંચાડી

લોકડાઉનના કારણે અંજારમાં ફસાયેલી કોડીનારની પાંચ હિન્દુ દીકરીઓને મુસ્લિમ અગ્રણીએ ઘેર પહોંચાડવાની વ્યવસ્થા કરી

ભુજ,તા.૧: લોકડાઉન દરમ્યાન અનેક જગ્યાએ માનવતા મહેકી રહી છે. કચ્છમાં અંજાર મધ્યે ખાનગી કંપનીમાં કામ કરતી કોડીનારની પાંચ યુવતીઓ લોકડાઉનના કારણે વાહન વ્યહાર બંધ થતાં ફસાઈ ગઈ હતી. આ અંગે ગાંધીધામ રેલવે મધ્યે કામ કરતા આ યુવતીઓના સંબંધી દ્વારા કચ્છના જાણીતા રાજકીય અને સામાજિક આગેવાન જુમાભાઈ રાયમાનું ધ્યાન દોરી તેમની મદદ માંગી હતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ આગેવાન જુમાભાઈએ તરત જ ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ સંજય ગાંધીની મદદથી આ યુવતીઓને તેમના ઘેર કોડીનાર મુકવા માટે પોલીસ મંજૂરી માટેના પાસ બનાવડાવ્યા હતા. આ પાંચેય યુવતીઓ ગીતા વી. ચાવડા, કંચન ચાવડા, પાયલ વાઢેર, કંચન આર. ચાવડા અને પાયલ ચાવડાને તેમના ગામ કોડીનારના મોરવડ, નાનાવાડા અને ભયાડ ગામે પહોંચાડવા મુસ્લિમ અગ્રણી જુમાભાઈ રાયમાએ સ્વખર્ચે બોલેરો જીપ મોકલી હતી. તેમને ગાંધીધામ મુસ્લિમ સમાજના અગ્રણી શાહનવાઝ શેખ દ્વારા રસ્તા માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ હતી. આ યુવતીઓ સહીસલામત પોતાને ગામ અને ઘરે પહોંચી ગઈ હોવાનું જુમાભાઈ રાયમાએ 'અકિલા'ને જણાવ્યું હતું. આમ કોરોનાના ભય અને લોકડાઉન વચ્ચે પણ માનવતા સાથે કોમી એકતાની મહેંક મહેકી હતી.

(11:46 am IST)