Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

કચ્છમાં કોરોનાની સારવાર કોર ટીમ તૈયારઃ રાજકોટના તબીબો દ્વારા તાલીમ

કચ્છમાં રાજકોટની ટીમ દ્વારા કોરોનાની સારવાર માટે ચાર નિષ્ણાતોને અપાઈ તાલીમ- ભુજમાં ૧૦૦ બેડની હોસ્પિટલની તૈયારી સાથે વેન્ટિલેટર વધારવા પ્રયાસઃ નવો એક પણ કેસ નથી, ૮ લાખ ઘર અને ૨૦ લાખથી વધુ લોકોના સર્વેનો દાવો, ૪૭૨૧ હોમ કવોરેન્ટાઈન, ૭૬ ઇન્સ્ટિટ્યૂટમાં કવોરેન્ટાઈન

ભુજ,તા.૧:  છેલ્લા ત્રણ દિવસથી કચ્છમાં કોરોનાના એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી એ રાહતના સમાચાર છે. પણ, સરકાર અને વહીવટીતંત્ર કોરોનાની મહામારીનો સામનો કરવા માટે સજ્જ થઈ રહ્યા છે. કચ્છમાં કોરોનાની સારવાર માટે આગોતરી તૈયારીના ભાગ રૂપે ચાર નિષ્ણાતોની કોર ટીમ તૈયાર કરાઇ છે. કોરોનાની સારવારની તાલીમ લેનાર રાજકોટના એકસપર્ટ તબીબો ડો. આરતી ત્રિવેદી અને ડો. બ્રિજ તૈલીએ કચ્છના આરોગ્યતંત્રના અને ભુજની સરકારી હોસ્પિટલના તબીબો તેમ જ પેરા મેડિકલ સ્ટાફને કોરોનાની સારવાર સબંધે માર્ગદર્શન આપ્યું હતું. તેમ જ રાજકોટના આ બન્ને તબીબોની દેખરેખ હેઠળ ભુજની સરકારી હોસ્પિટલના ચાર સભ્યોની કોર ટીમને કોરોનાની સારવાર માટે સજ્જતા સાથેની ખાસ તાલીમ અપાઈ હતી. કચ્છમાં કોરોનાની તાલીમ માટેની આ કોર ટીમમાં સરકારી હોસ્પિટલ અદાણી જીકેના માઈક્રો બાયોલોજીસ્ટ ડો. હિતેષ આસુદાની, ફિઝિશિયન ડો. હનીફ અબડા, ઇન્ફેકશન કન્ટ્રોલ નર્સ દર્શન પટેલ અને વંદન વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આ કોર ટીમને દર્દીને વોર્ડમાં રાખવાની પદ્ઘતિ, સારવાર કેમ કરવી તે અંગેની તકેદારી , માસ્ક અને પીપીઈ (પર્સનલ પ્રોટેકટિવ ઈકવિપમેન્ટ) કેમ પહેરવા તે વિશે તાલીમ અપાઈ છે. આ તાલીમ કાર્યમાં સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ સહયોગી બન્યા હતા. દરમ્યાન જિલ્લાઙ્ગ ઙ્ગવહીવટીતંત્ર દ્વારા કચ્છમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની તૈયારી કરાઈ રહી છે. જયારે અત્યારે આઇસોલેશન માટેના ૮ બેડ છે, તેની સાથે ૯ બેડ વધારાના તૈયાર થઈ રહ્યા છે. આ અંતર્ગત વેન્ટીલેટરની સંખ્યા વધારવા માટે ગઈકાલે તંત્રએ ચાર વેન્ટિલેટર ખરીદયા છે, અને હવે પાંચ વેન્ટિલેટર અદાણી દ્વારા અપાશે એટલે વેન્ટીલેટરની સંખ્યા ૧૭ થશે. કોરોના સામે જિલ્લા આરોગ્યતંત્ર પણ દોડી રહ્યું છે. ત્રણ દિવસમાં નવો એક પણ કેસ નથી. એટલે રાહત છે. આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલા આંકડા મુજબ કચ્છ જિલ્લામાં ૮ લાખ ૩૮ હજાર દ્યરોમાં રહેતા ૨૦ લાખ ૭૧ હજાર લોકોનો સર્વે થઈ ગયો છે. કચ્છમાં ૧૭ શંકાસ્પદ દર્દીઓ પૈકી એક જ પોઝિટિવ છે અને એક જ દર્દી સારવાર હેઠળ છે. જયારે હોમ કવોરેન્ટાઈન ૪૭૨૧ અને ઇન્સ્ટિટ્યૂટમાં કવોરેન્ટાઈન ૭૬ વ્યકિતઓ છે. કચ્છના વહીવટીતંત્ર દ્વારા લોકોને દ્યરોમાં જ રહેવા અપીલ કરાઈ છે. તો, લોકડાઉન માટે પોલીસતંત્ર પણ ખડે પગે સજ્જ છે.

(11:44 am IST)