Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અમરેલી જિલ્લામાં કોવીડ વેકસીનેશનનો ત્રીજો તબક્કો

અમરેલી તા. ૧ : અમરેલી જિલ્લામાં કોવીડ વેકસીનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કા વિશે માહિતી આપતા જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ તથા બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેકિસનેશન સફળતાપુર્વક કર્યા બાદ આજથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના કો-મોરબી કંડીશન એટલે કે જેઓ ડાયાબિટીસ, હાયપટેન્શન, હ્રદયરોગ વિગેરે જેવી બીમારીથી પીડાતા હોય એવા તમામ લાભાર્થીઓને સરકારી હોસ્પિટલ તેમજ જિલ્લાની ૬ ખાનગી હોસ્પિટલો ખાતે રસી આપવાની કામગીરી કરવામાં આવશે.

કલેકટરશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લાની ૬ ખાનગી હોસ્પિટલો જેમાં અમરેલીની રાધિકા હોસ્પિટલ, નવજીવન હોસ્પિટલ, માધવ હોસ્પીટલ તેમજ સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા રામાણી હોસ્પીટલ કુંકાવાવ અને કામળીયા હોસ્પીટલ બગસરાનો સમાવેશ થાય છે. આ ખાનગી હોસ્પિટલમાં રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત એટલે કે રૂ. ૨૫૦ ચૂકવવાના રહેશે. જયારે જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે રસી મેળવી શકાશે. કોવિડ પોર્ટલ મારફત ઓનલાઈન નોંધણી થયા બાદ રસીકરણ કરવામાં આવશે.

અમરેલી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી જયેશ પટેલએ જણાવ્યું હતું કે વેકસીન માટે લાયક લાભાર્થીનો આરોગ્ય કર્મચારી મારફત અગાઉ સર્વે થયેલો હશે તેઓને આરોગ્ય કર્મચારી દ્વારા કયા દિવસે અને સ્થળે વેકસીન લઈ શકાય તેની લાયક લાભાર્થીને જાણ કરવામાં આવશે. લાભાર્થી સ્વેચ્છાએ કોવિડ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઈ શકશે અથવા રસીકરણ કેન્દ્ર ઉપર જઈને નોંધણી કરાવ્યા બાદ રસી લઈ શકાશે. આ નોંધણી માટે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ અથવા જન્મ તારીખનો આધાર દર્શાવતાં કોઈ એક ઓળખકાર્ડ તથા ૪૫ થી ૬૦ વર્ષનાં નકકી કરેલ ૨૦-બિમારીવાળા લાભાર્થીઓએ મેડીકલ પ્રેકટીશનરનું પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.

વધુ જાણકારી માટે જિલ્લા આરોગ્ય તંત્ર નાં કન્ટ્રોલરૂમ નં.(૦૨૭૯૨) ૨૨૮૨૧૨ તથા ૮૨૩૮૦૦૨૨૪૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે. કોવીડ વેકસીન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને દરેક લોકોએ પોતાનો જયારે પણ વારો આવે ત્યારે અચૂક લે એવી આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(1:35 pm IST)