Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જસદણ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવવાની શકયતાઃ આ વખતે મતદાન ઘટયું: ૬૨.૭૪ ટકા થયુ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧: જસદણ તાલુકામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે તેમજ જસદણ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો માટે ગઇકાલે મતદાન યોજાયું હતું. ૪૨૧૪૦ પુરુષ અને ૩૩૪૮૫ સ્ત્રી મળી કુલ ૭૫૬૨૫ મતદારોએ મતદાન કર્યું હતું.

જેમાં શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર ખૂબ જ રસપ્રદ જંગ જામ્યો હતો અને સૌથી વધુ ૭૦.૫૦ ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ડો.ભરતભાઇ બોદ્યરાએ કમળાપુર ખાતે તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા ખાતે મતદાન કર્યું હતું. જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે કુલ ૧૬ ઉમેદવારો મેદાનમાં હતા જયારે તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૫૭ ઉમેદવારો મેદાનમાં હતા.. જસદણ તાલુકા પંચાયત ચૂંટણી માટે કુલ ૧,૨૦,૫૪૫ મતદારો નોંધાયેલા છે.

જસદણ તાલુકાના કુલ બુથ ૧૩૩ મતદાન મથક પૈકી સંવેદનશીલ ૫૮ તેમજ અતિ સંવેદનશીલ ૬ મતદાન મથક નોંધાયેલા છે. જિલ્લા પંચાયતની સાણથલી, આટકોટ, શિવરાજપુર, કમળાપુર, ભાડલા એમ કુલ પાંચ બેઠકો માટે મતદાન નોંધાયું હતું. જયારે જસદણ તાલુકા પંચાયતની આટકોટ ૧, આટકોટ ૨, બળધોઇ, પાંચવડા, વીરનગર, ભાડલા, કનેસરા, દહીસરા, ભંડારિયા, બોદ્યરાવદર, કમળાપુર, કોઠી, લીલાપુર, કડુકા, સાણથલી, ડોડીયાળા, જંગવડ, કાનપર, શિવરાજપુર,આંબરડી, કાળાસર અને ગોખલાણા એમ કુલ ૨૨ બેઠકો માટે મતદાન નોંધાયું હતું. જસદણ તાલુકાના ગામડાઓમાં વિધાનસભાની ચૂંટણી જેવા માહોલ જામ્યો હતો. શિવરાજપુર જિલ્લા પંચાયતની બેઠક ઉપર સક્ષમ અપક્ષ ઉમેદવાર યાર્ડનાં ડિરેકટર અને ગોડલાધારના સરપંચ યુવા ઉદ્યોગપતિ અશોકભાઈ મહાદેવભાઈ ચાવ લડતા હોવાથી આ બેઠક ઉપર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. આ અપક્ષ ઉમેદવાર સાથે બંને પક્ષના ઉમેદવારોની સ્પર્ધા છે. જસદણ તાલુકા પંચાયતની ગત ચૂંટણીમાં તા. ૨૯-૧૧-૨૦૧૫ નાં રોજ મતદાન યોજાતા કુલ ૭૦.૫૮ ટકા મતદાન નોંધાયું હતું. ગત ચૂંટણીમાં કુલ ૧૯ બેઠકો કોંગ્રેસને મળતા અને ભાજપને ત્રણ બેઠકો મળતા કોંગ્રેસનું શાસન આવ્યું હતું. ગત ચૂંટણીમાં  માત્ર ત્રણ બેઠકો ભાડલા, કડૂકા અને લીલાપુર બેઠક ભાજપને મળી હતી. રાજકીય સમીક્ષકોના જણાવ્યા મુજબ જસદણ તાલુકા પંચાયત માટે વીરનગર, પાંચવડા, આટકોટ, દહીસરા, ભાડલા, ગોખલાણા સહિતની બેઠકો ઉપર ભાજપનું પલ્લુ ભારે છે. જયારે તાલુકા પંચાયતની સાણથલી, બળધોઈ, આંબરડી, કાળાસર, શિવરાજપુર, ભંડારિયા, કમળાપુર સહિતની બેઠકો ઉપર કોંગ્રેસનું પલડું ભારે છે. જોકે જંગવડ, કાનપર, કડુકા, લીલાપુર, કોઠી વગેરે બેઠકો ઉપર ખૂબ જ ઓછી સરસાઇ સાથે કોઇ પણ પક્ષના ઉમેદવાર જીતી શકે તેવી સ્થિતિ છે. ત્યારે જિલ્લા પંચાયતની બેઠકો માટે આટકોટ, પીપરડી, ભાડલા, વિછીયા સહિતની જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભાજપનું પલડું ભારે છે.જોકે જસદણ તાલુકા પંચાયત માટે અંદાજે ૧૪ થી ૧૬ બેઠકો સાથે ભાજપનું બોર્ડ આવવાની શકયતા રાજકીય સમીક્ષકો દર્શાવી રહ્યા છે.

(11:58 am IST)