Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

કચ્છમાં ન.પા.માં ૫૦.૮૧ ટકા, જિ.પં.,તા.પં.માં ૬૩.૩૮ ટકા મતદાનઃ શહેરી કરતાં ગ્રામીણ મતદારોમાં વધુ ઉત્સાહ વરતાયો

ભુજના દેશલપર ગામે મતદાનનો બહિષ્કાર, સાંસદ સમજાવવા ગયા, ધારાસભ્ય, કલેકટર કોઈએ ગ્રામજનોને ન સમજાવ્યા, રાપરના ત્રણ ગામોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો, માંડવીના નાની રાયણ ગામે ગઢવી સમાજે કર્યો બહિષ્કાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧: કચ્છમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી દરમ્યાન શહેરી મતદારોની અપેક્ષાએ ગ્રામીણ મતદારોએ લોકશાહીના પર્વને ઉત્સાહભેર ઉજવ્યું હતું. જોકે, ભુજના દેશલપર ગામના ગ્રામજનોએ ગામની જમીન ખાનગી ટ્રસ્ટને ફાળવી દેવાતાં મતદાનનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું હતું. જોકે, ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા ગ્રામજનોને ભુજ ઓફિસમાં બોલાવી સમજાવટ કરવા પ્રયાસ કરાયો હતો પણ ગ્રામજનો બહિષ્કાર માટે મક્કમ રહ્યા હતા. મીડીયામાં પણ દેશલપર ગામનો મતદાન બહિષ્કાર નો મુદ્દો છવાયેલો રહ્યો હતો. જોકે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૈકી સાસંદ વિનોદ ચાવડાએ મતદાનના આગલે દિવસે દેશલપર ગામે જઈને બેઠક કરી મતદાન માટે સમજાવટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ગ્રામજનો જમીન વિવાદ ના મુદ્દે નારાજ હોઈ મતદાનનો બહિષ્કાર કરવા મક્કમ રહ્યા હતા. જયારે ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય અને વહીવટી વડા કલેકટર પ્રવિણા ડી.કે.એ ગ્રામજનોને સમજાવવા નિરુત્સાહી વલણ દાખવ્યું હતું. પરિણામે ત્રણે મતદાન બુથ ઉપર એક પણ મત પડ્યો નહોતો. ભુજ ગ્રામીણ મામલતદાર સાંજે મોડા મોડા દેશલપર પહોંચ્યા હતા.

આ ઉપરાંત રાપરના ત્રણ ગામ પગીવાંઢ, ખારકુવા અને ગણેશપુરા માં માત્ર બે મત પડ્યા હતા. પ્રાથમિક સુવિધાના અભાવે આ ત્રણ ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તો, મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણે માંડવીના નાની રાયણ ગામે ગઢવી સમાજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

સૌથી વધુ નવી નગરપાલિકા મુન્દ્રા બારોઈમાં, મુખ્ય શહેરો ગાંધીધામ ભુજમાં ઓછું મતદાન

કચ્છમાં નગરપાલિકાઓની ચુંટણીમાં મતદાનનો માહોલ પ્રારંભિક નિરસ રહ્યા બાદ છેલ્લે છેલ્લે મતદારોમાં ઉત્સાહ આવ્યો હતો. કચ્છમાં નવી નગરપાલિકા મુન્દ્રા બારોઈ ઉપરાંત ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી એમ કુલ ૫ પાલિકાઓની ચૂંટણી હતી. જે પૈકી સૌથી વધુ મતદાન નવી પાલિકા મુન્દ્રા બારોઈ માટે ૭૦.૦૮ ટકા, બીજા નંબરે માંડવી પાલિકા માટે ૬૩.૩૮ ટકા, ત્રીજા નંબરે અંજાર પાલિકા માટે ૫૪.૬૦ ટકા, ચોથા નંબરે ભુજ પાલિકા માટે ૪૯.૪૧ ટકા અને પાંચમા નંબરે ગાંધીધામ પાલિકા માટે ૪૪.૬૧ ટકા મતદાન થયું હતું. કુલ ૨ લાખ ૧૮ હજાર ૨૫૯ મતદારોએ પોતાના મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો. કચ્છમાં નગરપાલિકાઓમાં ૧ લાખ ૧૭ હજાર ૪૯૬ પુરુષ મતદારોએઙ્ગ જયારે ૧ લાખ ૭૬૩ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. એકંદરે પુરુષ મતદારોનું મતદાન વધુ રહ્યું હતું. જયારે કચ્છના બે મુખ્ય શહેરો ગાંધીધામ અને ભુજમાં ઓછું મતદાન થયું હતું.

કચ્છમાં એક જિલ્લા અને દસ તા. પંચાયતમાં ૬૩.૩૭ ટકા મતદાન

કચ્છમાં પાંચ નગરપાલિકા કરતાં એક જિલ્લા અને દસ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧૩ ટકા વધુ મતદાન થયું હતું. નગરપાલિકાઓ માં શહેરી મતદારોની ઉદાસીનતા ને કારણે ૫૦ ટકા જયારે ગ્રામીણ મતદારોના ઉત્સાહ ને કારણે જિલ્લા અને તા.પંચાયતમાં ૬૩ ટકા જેટલું મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન લખપત તાલુકામાં ૭૮ ટકા જયારે બીજા નંબરે મુન્દ્રા તાલુકામાં ૭૨ ટકા મતદાન થયું હતું. જયારે અંજાર તાલુકામાં ૬૫, અબડાસા ભુજ અને માંડવી તાલુકામાં ૬૪ ટકા મતદાન થયું હતું. આ સિવાય રાપર તાલુકામાં ૬૦ ટકા, ભચાઉ અને નખત્રાણા તાલુકામાં ૫૮ ટકા મતદાન થયું હતું. કુલ ૬ લાખ ૬૭ હજાર ૩૦૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ૩ લાખ ૫૬ હજાર ૩૨૬ પુરુષ મતદારોએ જયારે ૩ લાખ ૧૦ હજાર ૯૨૫ મહિલા મતદારોએ મતદાન કર્યું હતું.

(10:36 am IST)