Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

બન્ની-પચ્છમ વિસ્તારમાંથી પ્રથમ ઉચ્ચશિક્ષણ મેળવનાર યુવતીનું ગૌરવ પ્રાપ્ત કરીને સવિતા મારવડાએ ઉભી કરી મિશાલ:દાદી સાથે દિનારા થી ભુજ ૧૬૦ કિ.મી કાપીને મેળવ્યું માધ્યમિક શિક્ષણ

પરંપરાના થકી દિકરીઓના હાથમાંથી પેન છીનવીને જયાં સોય-દોરા પકડાવી દેવાય છે તે માહોલમાં મેણા-ટોણા વચ્ચે પરિવાર અને સરકારના સહયોગથી સવિતાએ આલેખી ખુદની કહાની

ભુજ : કચ્છના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમાં શિક્ષણના અભાવ તથા સમાજમાં પ્રવર્તી પરંપરાઓના કારણે આજેપણ દિકરીઓને પ્રાથમિક અભ્યાસ બાદ આગળના શિક્ષણ માટે ખુબ જ સંઘર્ષ કરવો પડે છે. ખુદના લગ્નના આણાનો સામાન તૈયાર કરવા બાળકીના હાથમાંથી પેન છીનવી લઇને સોય-દોરો પકડાવી ઘરમાં બેસાડી દેવાય છે. આવા રૂઢિચુસ્ત માહોલ અને સમાજની માનસિકતાનો હિંમતપૂર્વક સામનો કરીને સરકારની બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન અંતર્ગત મળતી વિવિધ સહાય, સ્કોલરશિપ તેમજ પરિવારના સહયોગથી મારવાડા સમાજની સવિતા આ પછાત વિસ્તારમાં ઉચ્ચશિક્ષણ મેળવનાર પ્રથમ દિકરીનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

   અનેક મુશ્કેલી અને લોકોનો વિરોધ સહન કર્યા છતાં આ દિકરીએ પોતાની મહેનત અને ધગશથી ન માત્ર પરીવારને ગૌરવ અપાવ્યું છે પરંતુ આ વિસ્તારની અન્ય દિકરીઓ માટે આગળ અભ્યાસ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. આ દિકરીની હિંમત અને ધગશને સલામ કરીને તાજેતરમાં જ કચ્છ કલેકટરશ્રી દિલીપ રાણાએ સવિતાનું ખાસ સન્માન કરીને તેને બિરદાવી હતી.

 પોતાની સંઘર્ષ ગાથા કહેતા સવિતા હરજીવનભાઇ મારવાડા જણાવે છે કે, આ વિસ્તારમાં દિકરી ૧૦ કે ૧૧ વર્ષની થાય કે તેના હાથમાંથી પેન છીનવીને સોય-દોરો થમાવી દેવાય છે. અહીંની પરંપરા મુજબ દિકરીઓને લગ્ન માટેના ભરત ભરેલા કપડા તથા અન્ય ઘરવખરીની ચીજો આણામાં સાથે લઇ જવાની હોય છે જેથી દિકરીઓને નાનપણથી ભરત-ગુંથણનું કામ સોંપી દેવાય છે. આગળના અભ્યાસ માટે દિકરીઓને ઘરની બહાર ન મુકવાની માનસિકતા હજુપણ હયાત છે. જેના કારણે ભણતર છુટી જાય છે. મે પણ ધો.૭નો અભ્યાસ ગામમાં કર્યા બાદ ધો.૮ થી ધો.૧૦ સુધીનો અભ્યાસ કરવા ખુબ જ મુશ્કેલી વેઠી હતી. લોકો દિકરીને આગળ ભણવાની શું જરૂર છે ? તેને તો લગ્ન જ કરવાના છે તેવું અનેક લોકો કહેતા હતા પરંતુ મારા દાદા-દાદી અને માતા-પિતાના મારા પરના વિશ્વાસ અને મક્કમતાના કારણે હું ગામની પ્રથમ કિશોરી હતી જેણે ધો.૮ના અભ્યાસ માટે ગામની બહાર પગ મુકયો હતો.

 ભુજમાં ધો.૮ માટે એડમિશન મેળવ્યા બાદ ભુજ એકલા બસમાં કઇ રીતે આવવું તે પ્રશ્ન સર્જાયો હતો. એકલી દિકરીને ભુજ મુકવાથી લોકો મેણા-ટોણા ન મારે તે માટે મારા દાદી રોજ મારા સાથે શાળાએ ટીફીન લઇને ૧૬૦ કિ.મી કાપીને સાથે આવતા. શાળા બહાર આખો દિવસ દાદી બેસી રહેતા અને પોતાનું ભરત-ગુંથણનું કામ કરતા.  સાંજે અમે બંને દાદી- દોહિત્રી ફરી દિનારા જતા, આ રીતે ૩ વર્ષ સુધી ગમે તે ઋતુ હોય મે અને દાદીએ અપડાઉન કરીને મારો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ આગળના અભ્યાસમાં સમસ્યા ન થાય તેમજ દાદીને પરેશાની ન આવે તે માટે મારો પરીવાર ભુજ આવીને વસી ગયો. હાલ હું બી.એડનો અભ્યાસ કરી રહી છું અને ભવિષ્યમાં યુપીએસસી પાસ કરીને કલેકટર બનું તેવી મારા પિતાજી અને દાદીની ઇચ્છા છે.

   તેણીએ વધુમાં દરેક વાલીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત સરકાર દિકરીઓ આગળ ભણે તે માટે અનેક યોજનાઓ અમલી કરી છે. સ્કોલરશીપ, મફત પુસ્તકો, મફત યુનિફોર્મ, મફત અભ્યાસ, મફત મુસાફરી, હોસ્ટેલની સગવડતાથી લઇને ઉચ્ચ અભ્યાસ માટે લોન સહિતની અનેક મદદ કરી રહી છે ત્યારે દરેક વાલીએ સમાજની માનસિકતાની પરવા કર્યા વિના પોતાની દિકરીને પ્રોત્સાહન આપીને ઉચ્ચ અભ્યાસ કરાવવો જોઇએ. કારણ કે એક દિકરી બે ઘર તારે છે. જેના થકી જ સમાજ, ગામ, રાજય અને મજબુત દેશનું ભવિષ્ય નિમાર્ણ શક્ય છે.

આ પ્રસંગે સવિતાના પિતાશ્રી હરજીવનભાઇએ પ્રધાનમંત્રીની દિકરીઓ પ્રત્યેની ચિંતાને બિરદાવીને જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રીની વિચારશૈલી તથા તેમના કાર્યોથી પ્રેરિત થઇને જ મે તેટલા કપરા સંજોગોનો સામનો કરવો, સમાજ ગમે તે કહે છતાં પણ અલગ ચીલો ચાતરીને મારી દિકરીને ઉચ્ચ અભ્યાસ કરાવીશ તેવો નિર્ધાર કર્યો હતો. જે નિર્ધાર હજુ પણ યથાવત છે. મારી દિકરી મારૂ ગૌરવ બનીને હાલ આખા વિસ્તાર તથા અહીંના સમાજનું નામ ઉજાળ્યું છે. મારી દરેક વાલીઓને અપીલ છે કે, સરકારના બેટી બચાઓ-બેઢી પઢાઓ અભિયાનમાં જોડાઓ અને વ્હાલી દિકરીને ઉચ્ચ ઉડાનની તક આપો.

(11:56 pm IST)