Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ઝૂલતા પુલ કેસ : 14 દિવસનાં રિમાન્ડની માગણી સામે જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજુર.

કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છતાં કેમ ચાલુ રાખ્યો?, કોઈ અધિકારીની સંડોવણી હતી ? સહિતના મુદ્દે થશે પૂછપરછ

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલને આજે કોર્ટ સમક્ષ રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. જેના પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પણ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીમાં ગત 30 ઓક્ટોબરના રોજ સર્જાયેલ ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા. આ કેસના ઓરેવાના માલિક જયસુખ પટેલને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. તેમને રજૂ કરવાના હોવાથી આજે સવારથી જ કોર્ટ બહાર ચહલ પહલ જોવા મળી હતી. સાંજે 6 વાગ્યા સુધી તો મૃતકોના પરિવારજનોની પણ ભીડ કોર્ટ બહાર એકત્ર થઈ હતી. પણ આ તમામ ભીડ દૂર થયા બાદ જયસુખ પટેલને 7 વાગ્યાના અરસામાં કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા.
આ વેળાએ પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અંદાજે 1 કલાક દલિલો ચાલી હતી. જેમાં સરકારી વકિલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે 2017માં કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો, 2022 સુધી કેના કહેવાથી કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યો ?, આ ઉપરાંત 2017માં કલેકટરને પત્ર લખ્યો કે ઝૂલતો પુલ જર્જરિત છે આમ છતાં પણ કેમ પુલ ચાલુ રાખ્યો ? માત્ર ફ્લોરિંગ બદલ્યું, આખો રીનોવેટ ન કર્યો તો આનું સર્ટી લીધું કે કેમ ?, આ ઉપરાંત કોઈ સરકારી અધિકારીઓની સંડોવણી છે કે કેમ? વગેરે પ્રશ્નો અંગે પૂછપરછ કરવી જરૂરી બને છે.
વધુમાં જયસુખ પટેલના વકીલે બચાવમાં કહ્યું કે ચાર્જશીટ રજુ થઈ ગઈ હવે રિમાન્ડની જરૂર રહેતી નથી. હાઇકોર્ટમાં જયસુખ પટેલને આરોપી ગણવામાં આવ્યા નથી. એટલે રિમાન્ડ મંજુર કરવામાં ન આવે. આમ બન્ને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી જયસુખ પટેલને તા.8 સુધી રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે.

(9:28 pm IST)