Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

તાંત્રીક વિધિ માટે સગીરાને ધરારથી લઇ જઇ માથા પર નાળિયેર ફેરવ્‍યું

મહિલા તેમજ તેના પુત્ર અને પુત્રવધુની ધમકી વંથલીના નરેડી ગામનો ચકચારી બનાવ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ : જુનાગઢ જિલ્લામાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.

જેમાં વંથલીના નરેડી ગામે એક મહિલા તાંત્રીક વિધિ માટે સગીરાને ધરારથી લઇ જઇ તેના માથા પર નાળિયેર ફેરવીને ધમકી આપી હતી.

આ બનાવામાં પોલીસે મહિલા તેમજ તેનો પુત્ર અને પુત્રવધુની ત્‍વરિત ધરપકડ કરી હતી.

આ કિસ્‍સાની વિગતો એવી છે કે વંથલી તાલુકાના નરેડી ગામે રહેતા ચંપાબેન હરસુખભાઇ સીંગલના પુત્ર રાહુલના લગ્ન ચાંદની સાથે થયેલ પરંતુ સંતાન થયેલ નહિ.

આથી ચંપાબેને કોઇના કહેવાથી તાંત્રીક વિધિ માટે તેમના જ ગામમાં એક પરિવારની ૧ર વર્ષની દિકરીને વાપરવાના પૈસા આપવાની લાલચ આપી સગીરાને તેના ઘરેથી હાથ પકડી પોતાના ઘરે લઇ ગઇ હતી.

બાદમાં પુત્ર રાહુલ અને પુત્રવધુ ચાંદનીએ તેને પારણું બંધાતી તે માટે સગીરાના માથા ઉપર નાળિયેર ફેરવી બાદમાં સગીરના પાસે દંપતીએ પોતાના માથા ઉપર નાળિયેર ફેરવવાની વિધિ કરી તરૂણીને ૧૦૦ રૂપિયા આપી. ફરી આમ કરવા માટે મંગળવારે આવવાનું કહ્યું હતું.

જો નહિ આવે અને આ બાબતે તેના મમ્‍મી-પપ્‍પાને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે તરૂણીની માતાએ જાણ કરતા વંથલીના મહિલા પી.એસ.આઇ. એસ.એન.સોનરા ચોકી ગયા છતા અને તેઓએ તુરત જ માતા-પુત્ર અને પુત્રવધુ સામે કલમ ૩૬૩, પ૦૮, પ૦૬(ર) અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પી.એસ.આઇ. સુશ્રી સોનારાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ચંપાબેન, રાહુલ અને ચાંદનીની ત્‍વરિત ધરપકડ કરી લેવામાં આવેલ અને ત્રણેયને કોર્ટમાં રજુ કરતા અદાલતે ત્રિપુટીને જામીન પર મુકત કર્યાછે.

(1:17 pm IST)