Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનો પોલીસે કબ્‍જો લીધો : રીમાન્‍ડ મંગાશે

ગઇકાલે કોર્ટમાં હાજર થયા બાદ જેલહવાલે થયેલા જયસુખ પટેલનો પોલીસે જેલમાંથી કબ્‍જો લીધો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧ : મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં આગોતરા જામીન અરજીની સુનાવણી પૂર્વે ગઇકાલે જયસુખ પટેલ કોર્ટમાં હાજર થતા કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ આપ્‍યો હતો જેથી જેલહવાલે કર્યા બાદ પોલીસે આરોપીનો કબજો માંગતા આરોપીનો કબજો પોલીસને સોંપાયો છે.

મોરબી કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કરવાનો આદેશ કરતા આરોપીને જેલ લઇ જવાયા હતા દરમિયાન મોરબી ડીવાયએસપી દ્વારા કોર્ટમાં આરોપીના કબજાની માંગણી કરતી અરજી કરી હતી જેને કોર્ટે માન્‍ય રાખતા જયસુખ પટેલનો કબજો પોલીસને સોપવામાં આવ્‍યો હતો અને ડીવાયએસપી ટીમ આરોપી જયસુખ પટેલને ડીવાયએસપી કચેરી લાવી છે

આજે રિમાન્‍ડની માંગણી સાથે જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવશે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચુક્‍યા છે અને જયસુખ પટેલ નાસતા ફરતા આરોપી હતા જે પણ હવે કોર્ટની શરણે આવી ચુક્‍યા છે. રીમાન્‍ડ દરમિયાન જયસુખ પટેલની પૂછતાછમાં દુર્ઘટના મામલે ચોંકાવનારી વિગતો ખુલે તેવી વકી છે.

મળતી વિગતો મુજબ મોરબી પુલ દુર્ઘટના કેસમાં દુર્ઘટના સમયથી એટલે કે ૯૦ દિવસોથી જાહેરમાં ના દેખાયેલા અને ચાર્જશીટમાં ભાગેડુ જાહેર કરાયેલ આરોપી જયસુખ પટેલ ગઇકાલે કોર્ટ સમક્ષ હાજર થતા કોર્ટે આરોપી જયસુખ પટેલને જેલહવાલે કરવાનો આદેશ કર્યો છે.

ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ માનવ જિંદગી હોમાઈ હોય જે બનાવ મામલે પોલીસે નવ આરોપીઓને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે અને ગઈકાલે જ ચાર્જશીટ રજુ થયા બાદ તમામ નવ આરોપીને કોર્ટમાં હાજર રાખી ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવી હતી અને વધુ સુનાવણી માટે તા. ૦૧ ફેબ્રુઆરી મુકરર કરવામાં આવી હતી દરમિયાન ચાર્જશીટ પૂર્વે જ ભાગેડુ આરોપી જયસુખ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી જોકે તેની મુદત પણ ૧ ફેબ્રુઆરીની પડી હોય અને ચાર્જશીટ રજુ થઇ હતી જેમાં જયસુખ પટેલને ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવ્‍યા હોય જેથી જયસુખ પટેલની મુશ્‍કેલીઓ વધી હતી. અને આજે આગોતરા જામીન અરજીની સુનાવણી થાય તે પૂર્વે જ ગઇકાલે મંગળવારે જયસુખ પટેલ સેશન્‍સ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. જયસુખ પટેલનો પોલીસે જેલમાંથી કબ્‍જો લીધા બાદ આજે બપોર બાદ રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે

(11:42 am IST)