Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ભાવનગર શહેરના વિવિધ વિસ્‍તારોમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી તેમજ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ કરનારાઓ સામે દંડ

ભાવનગર તા.૧ :  મનપાના સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા  કમિશનરની નિગરાનીમાં આજે મંગળવારે સવારે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્તી ડ્રાઇવ કરી શહેરમાં પ્‍લાસ્‍ટિકના  વેપારીઓને રૂ.૨૬૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. જ્‍યારે ગંદકી ફેલાવનારા આસામીઓ પાસેથી રૂ.૧૯૫૦૦ દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

 સરકાર દ્વારા સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે આમ છતાં, ભાવનગર શહેરમાં અનેક વેપારીઓ તેનું વેચાણ કરી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા શહેરમાં  અવારનવાર પ્‍લાસ્‍ટિક જપ્તી ડ્રાઈવ યોજવામાં આવે છે.

 મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા  પિરછલ્લા વોર્ડમાં પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં  વેપારીઓ પાસેથી રૂ.૫૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.જ્‍યારે જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી રૂ ૫૦૦૦ દંડ વસૂલ કર્યો હતો.

 ઘોઘા સર્કલ વોર્ડમાં કુલ નવ આસામીઓ પાસેથી પ્રતિતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી ૧૬૫૦૦ દંડ ફટકારાયો હતો.જેમાં અમરલાલ બેકરી અને રેડ સ્‍કવરને રૂ.પાંચ - પાંચ હજારનો દંડ ફટકારાયો હતો. ડસ્‍ટબીન નહિ રાખીને જાહેરમાં ગંદકી કરનારાઓ પાસેથી ૯૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

શહેરના ઉત્તર સરદારનગર વોર્ડમાંથી પ્રતિબંધ પ્‍લાસ્‍ટિક ના આસામીઓ પાસેથી પ્‍લાસ્‍ટિક જપ્ત કરી રૂપિયા ૫૦૦૦ તેમજ ગંદકી કરનારાઓ પાસેથી ૫૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

(12:02 pm IST)