Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

દ્વારકાની સગીરાના અપહરણ સબબ બગસરાના બબલુ સામે ફરિયાદ

જામ ખંભાળિયા,તા. ૧ : દ્વારકામાં રહેતા એક પરિવારની આશરે સાડા સતર વર્ષની સગીર વયની પુત્રીને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શાપર ગામે રહેતો હાર્દિક ઉર્ફે બબલુ ઉર્ફે ભોલો કલ્‍યાણદાસ સોલંકી નામનો શખ્‍સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના માતા દ્વારા દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકના હાર્દિક ઉર્ફે બબલુ કલ્‍યાણદાસ સોલંકી સામે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોક્‍સો એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ ઇન્‍ચાર્જ પી.આઈ. આર.બી. સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી છે.

દ્વારકાના યુવાનને મારી નાખવાની ધમકી સબબ મેવાસાના શખ્‍સ સામે ફરિયાદ

દ્વારકામાં ગોમતી ઘાટ વિસ્‍તારમાં રહેતા કિશન રવિભાઈ ચૌહાણ નામના ૨૫ વર્ષના કોળી યુવાન નવા ગોમતી ઘાટ ખાતે રાત્રિના સમયે ચોરી થતી હોય, તેઓ ચોકીદારી કરવા અન્‍ય સાહેદ સાથે મોડી રાત્રિના સમયે કબીર કોઠા પાસે બેઠા હતા. ત્‍યારે દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા પાલાભા માણેક નામના શખ્‍સે આવી અને ફરિયાદી કિશનભાઈને ‘નાઈટમાં ચોકીદારી કેમ કરતા નથી અને કારમાં બેસીને કેમ નાઈટ કરો છો?'- તેમ કહી કિશનભાઈ તથા તેમની સાથે રહેલા સાહેદને બિભત્‍સ ગાળો કાઢી, ઢીકા પાટુનો માર માર્યાની તથા તેમની પાસે રહેલી કારનો ગ્‍લાસ તોડી અને નુકસાની કર્યાની તથા છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં પાલાભા માણેક સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૪૨૭, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ખંભાળિયામાં બે સ્‍થળોએ જુગાર

ખંભાળિયાના શક્‍તિનગર વિસ્‍તારમાંથી પોલીસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા કારા ઉર્ફે કારૂ પ્રેમજી વઢીયારા, તુલસી ઈશ્વરભાઈ વઢીયારા અને જીતુ મનસુખભાઈ સોલંકી નામના ત્રણ શખ્‍સોને તેમજ જલારામ મંદિર પાસેથી ધીરજલાલ ઉર્ફે ગબ્‍બર નાનજીભાઈ પાઉં નામના વૃદ્ધને વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્‍યાણપુરમાં વિદેશી દારૂ ઝડપાયો

કલ્‍યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દિગુભા ઉર્ફે લાલો હાલુભા જાડેજા નામના શખ્‍સના રહેણાક મકાનમાંથી પોલીસે વિદેશી દારૂની બે બોટલ કબજે કરી હતી. જો કે આરોપી પોલીસને હાથ લાગ્‍યો ન હતો.

કલ્‍યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પ્રતાપ નકાભાઈ જમોડ નામના ૩૨ વર્ષના શખ્‍સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે ગુનો નોંધ્‍યો હતો

(11:51 am IST)