Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

ઇલેક્‍ટ્રિક બાઇકની બેટરીનું આયુષ્‍ય અને કાર્યક્ષમતા વધારી શકાય છે

જૂનાગઢ સરકારી પોલિટેકનિકના વ્‍યાખ્‍યાતા જયદીપ ભટ્ટનું સંશોધન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧ : સરકારી પોલિટેકનિક ખાતે મિકેનિકલ એન્‍જિનયરિંગ ડીપાર્ટમેન્‍ટમાં વ્‍યાખ્‍યાતા (GES, વર્ગ-૨)  તરીકે ફરજ બજાવતા શ્રી. જયદીપ મનોજકુમાર ભટ્ટ એ  મિકેનિકલ એન્‍જિનયરિંગમાં ‘ડેવલપમેન્‍ટ ઓફ બેટરી થર્મલ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ ફોર વાલ્‍વ રેગ્‍યુલેટેડ લેડ ઍસિડ બેટરી' શીર્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા માન્‍ય રાખી પીએચડીની ડિગ્રી એનાયત કરી છે.

આ સંશોધનમાં જયદીપ ભટ્ટ દ્વારા દર્શાવવામાં આવ્‍યું કે ભૌગોલિક પરિસ્‍થિતિ અને વાતાવરણના તાપમાનમાં થતો ફેરફાર એ ઇલેક્‍ટ્રિક બાઇકમાં વપરાતી વાલ્‍વ રેગ્‍યુલેટેડ લેડ ઍસિડ બેટરીના આયુષ્‍ય અને કાર્યક્ષમતા પર વિપરીત અસર કરે છે. આ વાતાવરણના તાપમાનની અસરને ઘટાડવા માટે ખાસ પ્રકારના બેટરી થર્મલ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ આધારિત બેટરી પેકનું નિર્માણ કરવામાં આવેલ. આ બેટરી પેક ને ઇલેક્‍ટ્રિક બાઇકમાં સ્‍થાપિત કરી અલગ અલગ પ્રકારના પ્રયોગો દ્વારા સાબિત કરવામાં આવ્‍યું કે સામાન્‍ય બેટરી પેક કરતાં બેટરી થર્મલ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ આધારિત બેટરી પેક એ બેટરીના તાપમાનને યોગ્‍ય માત્રામાં જાળવી રાખે છે. જે બેટરીનું આયુષ્‍ય અને કાર્યક્ષમતા વધારવા માટે મદદરૂપ થાય છે.

આ સંશોધનના તારણોના અંતે સંશોધક એવું અનુમાન કરી રહ્યા છે કે હાલના સમયમાં પરિવહન ક્ષેત્રે વાહનોમાં જે ઇલેક્‍ટરીફીકેશન થઈ રહ્યું છે તે અંતર્ગત જો ઇલેક્‍ટ્રિક બાઇકમાં આ પ્રકારના બેટરી થર્મલ મેનેજમેન્‍ટ સિસ્‍ટમ આધારિત બેટરી પેકનો ઉપયોગ કરવામાં આવે તો બેટરીના આયુષ્‍ય અને કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે. તેમજ આર્થિક દ્રષ્ટિએ પણ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંશોધકે આ સંશોધનકાર્ય અંગેની પેટન્‍ટ પણ રજીસ્‍ટર કરાવેલ છે.

સંશોધકે આ સંશોધન કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેકનોલોજી, વાસદના ડીન પ્રોફેસર ડૉ. પી. વી. રામના અને મહારાજા સૈયાજીરાવ ગાયક્‍વાડ યુનિવર્સિટી, બરોડાના પ્રોફેસર ડૉ. જે. આર. મહેતા ના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ હતો.

(10:50 am IST)