Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

લગ્નની ખરીદી માટે ગયેલા વાંકાનેરના દિધલીયાના મુસ્લીમ પરીવારને અકસ્માત નડયોઃ ત્રણના મોત

ઇલ્મુદીન શેરસીયા અને હુસેનભાઇ શેરસીયાના ઘટના સ્થળે તથા અશરફ શેરસીયાનું રાજકોટ હોસ્પીટલમાં મોતઃ ટંકારાના મિતાણા પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતઃ બેને ઇજા

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલાના મૃતદેહ નજરે પડે છે. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા) (૪.૨)

 ટંકારા, તા., ૧: ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે કાર અકસ્માતમાં એક વ્યકિતનું મોત નિપજેલ  તે બનાવની શાહી સુકાયેલ નથી ત્યાં ગત રાત્રીના મિતાણા-નેકનામ હાઇવે રોડ ઉપર રીક્ષા-કાર વચ્ચે અકસ્માત સર્જાયેલ છે અને ત્રણ વ્યકિતના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ વાંકાનેરના દીધલીયા ગામનો પરીવાર લગ્ન પ્રસંગે કપડાની ખરીદી માટે ધ્રોલ ગયેલ ત્યાંથી પરત પાછા ફરતી વખતે મિતાણા પાસે મારૂતી કાર-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયેલ હતો.

આ અકસ્માતમાં ઇલ્મુદીન નુરમામદ શેરસીયા (ઉ.વ.૩૩), હુસેનભાઇ અમીનભાઇ શેરસીયા (ઉ.વ.૬૦) અને અશરફ હુસેન ગાજીભાઇ શેરસીયા (ઉ.વ.૩૦)નું મૃત્યુ થયેલ જયારે ઇજાગ્રસ્ત આશીફ બકાલીયા અને અસલમને સારવાર માટે રાજકોટ ખસેડાયેલ છે.

અકસ્માતની જાણ ટંકારા ૧૦૮ એમ્બ્યુલન્સના પાઇલોટ સલીમભાઇ તથા ડો.રૂળીયા કુરેશી અકસ્માત સ્થળે દોડી ગયેલ અને ઇજાગ્રસ્તોને પ્રાથમીક સારવાર આપેલ. ટંકારા તાલુકામાં કાળનું ચક્કર ફરી રહયું હોય તેમ લોકો કહે છે.

વધુ માહિતી મુજબ કાળનો કોળીયો બનેલાઓમાં અશરફહુશેન ગાઝીભાઇ સેરસીયા (ઉ.૩૦) ખેતી કરી ગુજરાન ચલાવતો હતો અને બે ભાઇ તથા ત્રણ બહેનમાં નાનો હતો. તેની ગયા વર્ષે જ શાદી થઇ હતી. જ્યારે બીજો મૃતક ઇલમુદ્દીન નુરમહમદ સેરસીયા (ઉ.૩૩) ત્રણ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તે વાંકાનેરમાં ફિલ્ટરની દૂકાન ધરાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે ત્રીજા મૃતક હુશેનભાઇ અમીનભાઇ સેરસીયા (ઉ.૬૦) ત્રણ ભાઇમાં બીજા હતાં અને ખેતી કરતાં હતાં. તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રી છે.

સેરસીયા પરિવારના ત્રણ-ત્રણ વ્યકિતના એક સાથે મોતથી પરિવારજનોમાં માતમ છવાયો હતો. આ ત્રણેય ઉપરાંત બીજા બે યુવાનો લગ્ન પ્રસંગ નિમીતે કપડાની ખરીદી કરવા ધ્રોલ ગયા હતાં. ત્યાંથી રિક્ષામાં પરત આવતી વખતે અજાણ્યા ફોરવ્હીલના ચાલકે રિક્ષાનેઉલાળી દેતાં ત્રણનો ભોગ લેવાયો હતો. (૧૪.૭)

 

(4:12 pm IST)