Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનું નામ ફસકી પડેલ વીમા યોજના રાખોઃ મોરબી કોંગ્રેસ અગ્રણી

મોરબી તા. ૧ :.. જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રીએ જે તે મંચ પરથી ખેડૂતોને સંબોધન કરતાં જણાવેલ કે જન્માષ્ટમી સુધીમાં ખેડૂતોને પાક વીમાનું ચુકવણું થઇ જશે. પરંતુ આજદિન સુધી ખેડૂતોને પાક વીમાના પૈસાનું ચુકવણું કરવામાં આવ્યું નથી માટે આ યોજનાનું નામ પ્રધાન મંત્રી ફસલ વિમા યોજનાને બદલે ફસકી પડેલ વીમા યોજના  રાખવાનો ટોણો મોરબી માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર અને કોંગ્રેસી સુધરાઇ સભ્ય કે. પી. ભાગીયાએ માર્યો છે.

તેમના વધુ જણાવ્યા મુજબ વિમા યોજના અંતર્ગત વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ડામ દેવામાં આવી રહ્યા છે. આ યોજના ખેડૂતોના ખીસ્સા ખંખેરી વીમા કંપનીઓને મબલખ ફાયદો કરાવી આપતી યોજના સાબિત થઇ રહી છે.

ખેડૂતોએ સમયસર પાક વિમો ભર્યો હોય, કપાસનો પાક નિષ્ફળ જાય, છતાં સર્વે પણ કરવામાં નથી આવતો, પાક વિમો નથી ચુકવાતો અને ખેડૂતોને પડયા પર પાટુ લાગ્યાનો ઘાટ સર્જાય છે. જાહેરાત તો સરકાર દ્વારા એવી પણ કરવામાં આવી હતી કે, પાક નિષ્ફળ ગયા બાદ સર્વે કામગીરી સમયે જ રપ ટકા વીમાની રકમ ચુકવીશું પરંતુ નવ નવ માસના અંતે પણ સર્વે વાળા ઠોકાયા ન હોવાનો ભાગીયાએ આરોપ મુકયો છે.

બેંક દ્વારા બારોબાર ખેડૂતોના ખાતામાંથી પ્રીમીયમની રકમ કાપી લેવામાં આવે છે. અને વીમાની રકમ ન ચુકવી ને બારો અન્યાય કરવામાં આવે છે. ર૦૧૬ ના એકત્ર કરેલ વાર્ષિક પ્રીમીયમ સામે સરકારે માત્ર રૂ. ૬ કરોડનું જ ચુકવણું કર્યુ છે. તો વિના વિલંબે સર્વેની કામગીરી પુરા કરી કપાસનો વીમો તમામ ખેડૂતોને તાત્કાલીક  પુરો ચુકવી આપવા ભાગીયાએ સરકાર પાસે લેખિત માગણી કરી છે.

(12:46 pm IST)