Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

જોડિયા તાલુકાનાં આમરણના ૧૪ ગામોને આઉટ પોલીસ સ્ટેશનની સુવિધા પુનઃ આપવા માંગણી

આમરણ તા.૧ :.. જોડીયાના તાલુકાના આમરણ ચોવીસી પંથકના ૧૪ ગામોને ચાર વર્ષ પહેલા નવનિર્મિત મોરબી જીલ્લામાં ભેળવી દીધા બાદ તુરંત અત્રેના કાર્યરત આમરણ આઉટ પોલીસ સ્ટેશનની ઝૂંટવી લેવામાં આવેલ સુવિધા પુનઃ પરત કરવા અંગે જનતામાં  માગણી ઉઠી છે.

આમરણ ચોવીસી પંથકને મને કમને નવ નિર્મીત મોરબી જીલ્લામાં સમાવિષ્ટ કરી દીધા બાદ સુવિધામાં વધારો થવાને બદલે દુવિધા ઉભી થાય તેવા સરકારી નિર્ણયોને કારણે લોકોની હાડમારીમાં વધારો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

આઝાદી કાળથી ૧ હેડ કોન્સ્ટે. અને ૪ કોન્સ્ટે.ના મહેકમવાળું આમરણ આઉટ પો.સ્ટેશન અત્રે કાર્યરત હતુંતે મોરબી જિલ્લામાં સમાવેશ થતાની સાથે જ  છેલ્લા ચાર વર્ષથી બંધ કરી દેવાયું છે. આમરણ ખાતે  ભુકંપ બાદ નવા બનેલા પોલીસ કવાર્ટર પણ હાલ ધુળધાણી થઇને બાવળના જંગલમાં ઉભા છે.

મોરબી પોલીસ દ્વારા હાલ આમરણ ચોવીસી પંથકના ગામોની જનતાની સુરક્ષા માટે ૧ બીટ જમાદાર તથા ૧ કોન્સ્ટે. ની ફાળવણી કરવામાં આવી છે.  હાલ મોરબી પોલીસમાં પણ સ્ટાફની ઘટ જેવી સમસ્યા અને અન્ય કામગીરીઓના બોજમાં ડૂબેલી પોલીસ આ વધારાની  જવાબદારી, ફરજ સુપેરે નિભાવી ન શકે તે સ્વભાવિક છે. અગાઉ અત્રે આઉટ પો. સ્ટેશન દરજ્જાને કારણે  પોલીસની સ્થાનીક હાજરીથી જે ધાક અસામાજિક તત્વોમાં રહેતી હતી તે ઓસરી જવા પામી છે. તેમજ અમુક સામાજિક - કૌટુંબીક નાના - મોટા પ્રશ્નોનું સમાધાનકારી નિરાકરણ સ્થાનીક આવી જતું હતું તેને બદલે હવે છે કે મોરબી તાલુકા પો. સ્ટેશન સુધી દોડી જવું પડે છે. આમરણ ખાતેની પોલીસ ચોકી ભુકંપમાં ધ્વંશ થયેલ હોય હાલમાં મોરબી પોલીસને આકસ્મિક સંજોગોમાં કાગળ કામ કરવા માટે કોઇ મકાન નહિ હોવાથી પોલીસ પણ હાડમારીનો સામનો કરી રહી છે. ઉપરોકત બાબતે તાકીદે પુનઃ સ્થાનીક પોલીસ સેવા મળી રહે તે અંગે ઘટતી કાર્યવાહી  કરવા માંગણી ઉઠી છે.

(11:18 am IST)