Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

વાંકાનેરમાં દેવદયા ટ્રસ્‍ટ સંચાલિત દોશી હોસ્‍પિટલમાં નિઃશુલ્‍ક નેત્રયજ્ઞઃ ૧૮૪૧ દર્દીઓએ લાભ લીધો

વાંકાનેર તા.૧ : દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત એન.આર.દોશી આંખની હોસ્‍પિટલ, વાંકાનેર ખાતે આંખના રોગોનો વિનામૂલ્‍યે મેગા કેમ્‍પ પુર્ણ થયો. તા.ર૦ જાન્‍યુઆરી શનિવારથી શરૂ થયેલ ભવ્‍ય નેત્રયજ્ઞ તા.ર૩ જાન્‍યુઆરી શનિવાર સુધી કુલ આઠ દિવસ સુધી ચાલુ રહેલ હતો. જેમાં ગુજરાતભરના અલગ-અલગ શહેરો અને ગામડાઓમાંથી આવેલ આંખના પડદાની તકલીફ, મોતિયાની તકલીફ, ત્રાસી આંખની તકલીફ, વેલ, છારી, ઝામર તથા આંખના અન્‍ય રોગોની તકલીફવાળા દર્દીઓની આંખનું નિદાન તથા સારવાર કરવામાં આવેલ હતા તથા ત્રાસી આંખ, પાંપણ અને નાસુરના ઓપરેશન કરવામાં આવેલ હતા. ભારતના બાળદર્દીઓની સેવા માટે ખાસ સીંગાપોરથી આવેલ ડો.સોનલ ગાંધીની નિષ્‍ણાંત સેવાઓનો લાભ દર્દીઓને મળેલ હતો. ડો.સોનલ ગાંધી વિશ્વસ્‍તરે પીડીયાટ્રીક ઓપ્‍થલમોલોજીમાં નામના ધરાવે છે.

આ ઉપરાંત ત્રાંસી આંખ, નાસુર અને કોઠારી, ડો.રોશની દેસાઇ, ડો.વરદા ગોખલે, ડો.નયના પોટદર, પુનાથી ડો.તન્‍મયી ધમનકર તથા ફેલો ડો.રીસીકા જૈન, ડો.નીતુ ખડશે વગેરે ડોકટરોની નિષ્‍ણાંત સેવાઓનો લાભ દર્દીઓને મળ્‍યો હતો. દર્દીને ઓપરેશન દરમ્‍યાન એનેસ્‍થેસીયા આપવા માટે મુળ ભારતીય અને હાલ લંડનમાં સ્‍થાયી થયેલ એનેસ્‍થેટીક ડો.રંજનબેન ખીરોયા અને રાજકોટના ડો.પરવડીયા તથા ડો.સાકરીયા કેમ્‍પના દિવસો દરમ્‍યાન ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મોતિયાની તકલીફ, ઝામર તથા આંખના અન્‍ય સામાન્‍ય રોગો માટે ટ્રસ્‍ટની હોસ્‍પિટલમાં પુર્ણ સમય સેવા આપતા ડો.મિલાપ જોષીની સેવાઓનો લાભ દર્દીઓને મળ્‍યો હતો.

દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ચાલતી વિનામૂલ્‍યે પ્રવૃતિઓને નિહાળવવા માટે તથા સંસ્‍થાના ટ્રસ્‍ટીઓને બળ પુરૂ પાડવા માટે ખાસ લંડનની ફાર્મા જાયન્‍ટ કંપની વે-મેડ હેલ્‍થકેર પીએલસીના માલિક બંધુઓ ભીખુભાઇ પટેલ અને વિજયભાઇ પટેલે મુલાકાત લીધેલ હતી. મેગા કેમ્‍પના મુખ્‍ય દાતાશ્રી જે.સી.પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત લંડનથી પિયુષભાઇ પટેલ, વિપીનભાઇ પટેલ, ડો.હરભજનસિંગ પ્‍લાઠા તથા હરીશભાઇ ખીરોયાએ ઉપસ્‍થિત રહ્યા હતા.

મેગા કેમ્‍પ દરમ્‍યાન ખાસ પ્રસંગ કહી શકાય તેમ હોસ્‍પિટલના કોન્‍ફરન્‍સ હોલને ડો.આર.કે.ગાંધી કોન્‍ફરન્‍સ હોલ નામકરણ કરવામાં આવ્‍યુ હતુ. ડો.આર.કે.ગાંધી કે જેઓને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્‍ત થયેલ હતો અને જેઓનુ યોગદાન તબીબી જગત આજે પણ યાદ રાખે છે તેમના છબીનું અનાવરણ કોન્‍ફરન્‍સ હોલ ખાતે સીંગાપોરથી આવેલ તેમના પુત્રી ડો.સોનલ ગાંધી અને પુત્ર ડો.નિખિલ ગાંધીના હસ્‍તે કરવામાં આવેલ હતુ. આ ઉપરાંત ડો.આર.કે.ગાંધીના જીવનની ઝાંખી કરાવતા પુસ્‍તકનું વિમોચન પણ ગાંધી પરિવાર દ્વારા કરવામાં આવેલ હતુ. છેલ્લા બે મેગા કેમ્‍પમાં જેમનુ ખાસ યોગદાન રહેલ હતુ. તેવુ અમેરિકાથી આવેલ ગાંધી પરિવાર કે જેમના પરિવારના મોટાભાગના સદસ્‍યો ડોકટર છે એમાથી ડો.સનતભાઇ ગાંધી (હાલ અમેરિકા), ડો.વી.કે.ગાંધી તથા ડો.નિખિલ ગાંધી, ડો.શૈલેષ ગાંધીએ પણ આ કેમ્‍પમાં ખાસ હાજરી આપી હતી. અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે અમેરિકા તથા યુકે આવનાર દરેક ડોકટર પોતાના સ્‍વખર્ચે સેવા કરવા માટે આવેલ હતા. પોતાના વતન એવા ભારત દેશનું ઋણ ચુકવવાનો આ અવસર તેઓએ હસતા હસતા વધાવ્‍યો હતો.

ભવ્‍ય નેત્રયજ્ઞમાં ત્રાંસી આંખ તથા બાળકોની આંખના દર્દોના કુલ ૬૭૬ દર્દીઓના આંખના મોતિયાની તકલીફ અને આંખના અન્‍ય રોગોના કુલ ૯૪૩ દર્દીઓના, આંખના પડદાની તકલીફવાળા રરર દર્દીઓ મળીને કુલ ૧૮૪૧ દર્દીઓના વિનામૂલ્‍યે નિદાન તથા સારવાર કરવામાં આવ્‍યા હતા. જેમાં દર્દીઓને દવાઓ પણ વિનામૂલ્‍યે આપવામાં આવેલ હતી. ત્રાંસી આંખ, પાંપણ અને નાસુરના મળીને કુલ ૬પ ઓપરેશન કરવામાં આવેલ હતા. પ૦ કરતા વધુ ત્રાસી આંખવાળા દર્દીઓને હવે પછી થનાર કેમ્‍પમાં ઓપરેશન માટે તારીખ આપવામાં આવેલ હતી. આ ઉપરાંત ૧પ૦ જેટલા મોતિયાના દર્દીઓનું ઓપરેશન માટે નિદાન થયેલ હતુ. અત્રે એક વાત ઉલ્લેખનીય છે કે ટ્રસ્‍ટ તરફથી ત્રાસી આંખના કેમ્‍પ છેલ્લા બાર વર્ષથી દર મહિને કરવામાં આવે છે. જે દર્દીઓને કેમ્‍પમાં નિદાન કરાવવાનું બાકી રહી ગયેલ હોય તેઓએ ચિંતા કરવાની જરૂર નથી તેવુ દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટના ફાઉન્‍ડર દંપતિ ડો.રમણીકભાઇ મહેતા અને ડો.ભાનુબેન મહેતા તથા ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી લલિતભાઇ મહેતાએ જણાવ્‍યુ હતુ કે, દેવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટની એન.આર.દોશી આંખની હોસ્‍પિટલના દર મહિને ત્રાસી આંખના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે. મોતિયાના વિનામૂલ્‍યે ઓપરેશન દર અઠવાડિયે કરવામાં આવે છે. આ ઉપરાંત ૧૩ વર્ષ સુધીના બાળકોનો ઓપીડી ચાર્જ પણ લેવામાં આવતો નથી એટલે કે બાળકોની આંખનું નિદાન વિનામૂલ્‍યે કરવામાં આવે છે એટલે જે દર્દીઓ કે જેમને ત્રાંસી આંખ છે અને મેગા કેમ્‍પમાં લાભ મળેલ નથી તેવા દર્દીઓ દર મહિને યોજાતા ત્રાંસી આંખના કેમ્‍પમાં લાભ લઇ શકે છે. સામાન્‍ય રીતે દર મહિનાના છેલ્લા શનિવારે ત્રાંસી આંખનો કેમ્‍પ યોજવામાં આવે છે. દર્દીઓએ અગાઉથી ફોન કરીને કેમ્‍પની માહિતી મેળવી લેવી.

 દર્દીઓ તથા તેમની સાથે આવનાર સગાઓને બપોરે તથા રાત્રે જમવાની કુલ આઠ દિવસ સુધીની વ્‍યવસ્‍થા ગાયત્રી મંદિર પરિવાર-વાંકાનેર તરફથી વિનામૂલ્‍યે કરવામાં આવેલ હતી. આ કેમ્‍પને સફળ બનાવવા માટે ટ્રસ્‍ટના ફાઉન્‍ડર દંપતિ ડો.રમણીકભાઇ મહેતા તથા ડો.ભાનુબેન મહેતા, પ્રમુખ શ્રી લલિતભાઇ મહેતા, ઉપપ્રમુખશ્રી અનંતભાઇ મહેતા તથા સેક્રેટરી મનહરભાઇ મહેતા, વ્‍યવસ્‍થાપક નિખિલભાઇ મહેતાએ પ્રયત્‍નો કર્યા હતા. નેત્રયજ્ઞની જવાબદારી ટ્રસ્‍ટના મેનેજર ધવલભાઇ કરથીયા તથા તેમના સ્‍ટાફે સંભાળી લીધેલ હતી.

(10:19 am IST)