Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગોંડલમાં જ્યોતિરાદિત્યસિંહ જાડેજાના જન્મદિને મહારકતદાન કેમ્પ : રકતદાતાઓ ઉમટયા

જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજાના સુપુત્રના જન્મદિને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, રમેશ ધડુક સહિતનાની ઉપસ્થિતિ

ગોંડલ : તસ્વીરમાં રકતદાન કેમ્પમાં ઉપસ્થિત આગેવાનો - કાર્યકરો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧ : ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સુપુત્ર યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ (ગણેશભાઇ )નાં જન્મ દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા નવા માર્કેટ યાર્ડ ખાતે મહા રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં સવારથી જ બહોળી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડયા હતા. ધારાસભ્યનાં પુત્ર ગણેશભાઇ આજે સવારે પોતાનાં ઘરે માતા ગીતાબા તથાં પિતા જયરાજસિંહને પગે લાગી બાદમાં ગોંડલનાં પ્રસિધ્ધ આશાપુરા માતાનાં મંદિરે દર્શન કરી નવા માર્કેટ યાર્ડ ખાતે પંહોચ્યા હતાં. શહેર યુવા ભાજપનાં પ્રમુખ સમીર કોટડીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ યોગેશ કિયાડા તથા યુવા ભાજપની ટીમ દ્વારા રકતદાન કેમ્પ માટે અલાયદી વ્યવસ્થા કરાઇ હતી.

મહા રકતદાન કેમ્પમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડીયા, સાંસદ રમેશભાઈ ધડુક, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સવારથી જ શહેર તથા ગામડાં નાં રકત દાતાઓ ઉમટ્યા હતા અને હોંશભેર રકતદાન કર્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, પ્રફુલ ટોળીયા, અલ્પેશ ઢોલરીયા, યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા તથાં કનકસિંહ જાડેજા, પૃથ્વીસિહ જાડેજા સહીત આગેવાનો અને કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.

(11:35 am IST)