Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માથાકુટનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧ : ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં બબાલ થઈ હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા યાર્ડમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં કોઈ અજાણ્યા ખેડૂતને ગ્રેડર સાથે બોલાચાલી અને ગાળાગાળી બાદ ગ્રેડર અને યાર્ડના કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વિગતો સામે આવી હતી. વિડીયોમાં જોવા મળતા દ્રશ્યોમાં લોકોના ટોળામાં ગાળાગાળી સાથે ખુરશી ઉલળતી પણ જોવા મળી હતી.

જયારે આ બનાવ અંગે માર્કેટ યાર્ડના સતાધીશોના જણાવ્યા મુજબ માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને મગફળી ખરીદી કેન્દ્રના ગ્રેડર વચ્ચે કોઈ ગેર સમજને લઈને બબાલ થઈ હતી પરંતું તેમાં બંને પક્ષે સમાધાનનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો.અને ઘીના ઠામમાં ઘી પડી જવા પામ્યું હતું.

(11:24 am IST)