Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ધોરાજી પાલિકાએ નવા ચાર વેરા નાખ્યા બાદ ફરી પેનલ્ટી વ્યાજ સાથેના વેરા લેવાનો ઠરાવ કરતા વિરોધ

વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આવેદનપત્ર : આખો દેશ કોરોના મહામારીની સામે લડી રહ્યો છે ધંધા રોજગાર બંધ જેવી હાલતમાં છે ત્યારે પાલિકા વ્યાજ પણ વધારતી જાય છે : પ્રજાનો જનાક્રોશ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી એ માઝા મૂકી છે ત્યારે ભારત દેશમાં ધંધા-રોજગાર ઉપર માઠી અસર ઉભી થઈ છે આવા સમયમાં રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમવર્ગના લોકોને પગભર થવા માટે આત્મનિર્ભર લોન આપી રહી છે ત્યારે ધોરાજી નગરપાલિકાએ પ્રજાની સેવા ને બદલે કોરોના મહામારીના સમયમાં ચાર નવા ટેક્ષ લાદયા છે અને વેરા નહીં ભરે તો દંડનીય વ્યાજ સાથે વસૂલ કરવાના ઠરાવ કરતા ધોરાજીમાં સમગ્ર પ્રજામાં રોષ વ્યાપી ગયો છે.

આવા સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

ધોરાજી વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કારોબારીના કિશોરભાઈ રાઠોડ કરસનભાઈ માવાણી રમેશભાઈ શિરોયા જયંતિભાઈ પાનસુરીયા દિલીપભાઈ હોતવાણી ચુનીભાઇ સંભવાણી બીપીનભાઈ મકવાણા વિગેરે તાકીદની મીટિંગ બોલાવી ધોરાજી નગરપાલિકા એ નવા વેરા તેમજ દંડનીય વ્યાજ બાબતે ધોરાજી નગરપાલિકા જે ઠરાવ કર્યો છે તેનો સખત વિરોધ કર્યો હતો

ધોરાજી નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા એ તારીખ ૨૬ /૧૦/ ૨૦૨૦ ના ઠરાવ નંબર ૫૮ મો જે ઠરાવ કર્યો છે તે તમામ નવા ટેક્ષ અને દંડનીય વ્યાજ બાબતે હાલ પૂરતો મોકૂફ રાખવાની માંગણી કરી છે જે અંગે જણાવેલ કે અગાઉ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ ભૂગર્ભ ગટર સફાઇ તેમજ દિવાબતી નો કર વિગેરે કર બાબતે લેખિતમાં આવેદનપત્ર પાઠવી અને વાંધા દર્શાવ્યા છે પરંતુ તે અંગે કોઈ લેખિત આશ્વાસન આપવામાં આવ્યું નથી જેથી તે બધી જ વિગતે આ પત્ર દ્વારા રજૂઆતો પ્રત્યે લક્ષ આપવા અને યોગ્ય નિર્ણય કરી જાણ કરવા વિનંતી કરી હતી

ધોરાજી નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધીને ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ આ બાબતે સતત વિરોધ કરી રહ્યા છે જે અંગે જણાવેલ કે હાલમાં જે કોરોના મહામારી સામે ધોરાજીના કરદાતાઓ ઝઝૂમી રહ્યા છે ધંધા રોજગાર બંધની અવસ્થામાં છે નાગરિકો અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ માં છે ત્યારે નગરપાલિકા દ્વારા ઉપરોકત ઠરાવ થી અગાઉના બાકી લેણા અને ચાલુ લેણા ઉપર જે વ્યાજ પેનલ્ટી નોટિસથી ફી વોરન્ટ ફી લાગુ કરવાનો ઠરાવ કર્યો છે તે હાલમાં સંજોગોમાં કોઇપણ રીતે યોગ્ય યોગ્ય નથી કોરોના મહામારી કરતાં પણ ભયંકર એવો બીજો વાયરસ રસી આવી રહ્યો છે જેનો ભય પણ સતાવી રહ્યા છે.આ સંજોગોમાં ઠરાવ નંબર ૫૮ તારીખ ૨૬/ ૧૦/ ૨૦૨૦ નો વિરોધ છે. આ ઠરાવની દરખાસ્તને વ્યાજ પેનલ્ટી ફી સંપૂર્ણપણે રદ કરવા માગણી છે

વિશેષમાં જણાવેલ કે કરદાતા ઓનું આગલું લેણું છે તેના ઉપર કોઈ પણ જાતનો વ્યાજ પેનલ્ટી વસૂલ કરવાનો નિર્ણય માનવતાની દ્રષ્ટિકોણથી બિલકુલ અયોગ્ય હોય તેનો અમલ ન કરવા વિનંતી છે અને બાકી જેના માટે કરદાતાઓને રકમ ભરવા માટે મુદત આપવા વેપાર ઉદ્યોગ મહામંડળ ની રજૂઆત સાથે માગણી છે તાત્કાલિક અસરથી તમામ વેરા બાબતે હાલના સમયમાં નિર્ણય મુલતવી રાખવા માગણી કરી હતી અને આ બાબતે તાત્કાલિક ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ને લેખિતમાં જવાબ આપવાની પણ માગણી કરી હતી.

(11:16 am IST)