Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

હળવદના માથક ગામે ગૌવંશ ઉપર ઘાતકી હુમલો કરનાર એક ઝડપાયો

ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ એક હુમલાખોરને ઝડપીને હળવદ પોલીસને હવાલે કર્યો

( દીપક જાની દ્વારા )હળવદ,તા. ૧: તાલુકા માં ગૌવંશ ઉપર સતત હુમલાઓથી ખળભળી ઉઠ્યું છે. સંબધિત તંત્રના પાપે ગૌવંશ ઉપર વધુ એક હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં હળવદના માથક ગામે ૮ ગૌવંશ ઉપર તીક્ષ્ણ હિથયારો વડે ઘાતકી હુમલો કરાયો હતો. આથી, ગૌવંશ ઉપર સતત હુમલાઓથી રોષે ભરાયેલા ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને એક હુમલાખોરને પકડી પાડ્યો હતો અને આ હુમલાખોરને હળવદ પોલીસને હવાલે કર્યો હતો.

હળવદ પંથકમાં ગૌવંશ ઉપર ફિર વોહી રફતારની જેમ હુમલાઓની ઘટનાઓ અટકવાનું નામ લેતી ન હોય તેમ વધુ એક હીંચકાર હુમલાની વારદાત સામે આવી હતી.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના માથક ગામે ગઇ કાલે અજાણ્યા શખ્સોએ વધુ ૮ ગૌવંશને ટાર્ગેટ કરી આ અબોલ પશુઓની પીઠ ઉપર કુરતાપૂર્વક તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકયા હતા. ઘાતકી હુમલાઓ થતા આ ૮ ગૌવંશ લોહી નિગળતી હાલતમાં ગામમાંથી મળી આવતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ બનાવને પગલે હળવદની ગૌપ્રેમી સંસ્થા શ્રીરામ ગૌશાળાના અગ્રણીઓ અને બજરંગ દળના કાર્યકરો માથક ગામે પહોંચી ગયા હતા અને હુમલામાં ઇજા પામેલા ૮ ગૌવંશની સ્થળ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી.

હળવદ પંથકમાં ગૌવંશ ઉપર સતત હુમલાઓની ઘટનાથી ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો હતો. આથી, ગૌપ્રેમીઓએ માથક ગામે જાતે જ વોચ ગોઠવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને એક હુમલાખોરને ઝડપી લીધો હતો. આ હુમલાખોરનું નામ રાજુ આદિવાસી હોવાનું જાણવા મળ્યું છે. ગૌપ્રેમીઓએ પોલીસને બોલાવીને આ આરોપીને તેમના હવાલે કરી દીધો હતો. હળવદ પોલીસે આ આરોપીને પોલિસ સ્ટેશને લાવીને પૂછપરછ હાથ ધરી છે.

(10:09 am IST)