Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

દ્વારકા નગરીનો સુવર્ણયુગ ફરી આવશેઃ વિજયભાઇ રૂપાણી

દેવભૂમિ દ્વારકા-જીલ્લામાં અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુર્હુત કેબલ સ્ટેઇડ સીગ્નેચર બ્રિજનું નિરીક્ષણ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે દેવભૂમિ દ્વારકા જીલ્લાની મુલાકાત લીધી હતી જે તસ્વીરમાં નજરે પડેછે. (તસ્વીર-અહેવાલઃ વિનુભાઇ સામાણી- દિપેશ સામાણી (દ્વારકા) ભરત બારાઇ (ઓખા) કૌશલ સવજાણી (ખંભાળીયા)

દ્વારકા-ખંભાળીયા-ઓખા તા. ૧: દેવભુમી દ્વારકા જીલ્લાના કાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મહેમાન બન્યા હતા અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કર્યું હતું અને સિગ્નેચર બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમની દ્વારકા યાત્રામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસન, શિક્ષણ, પાણી, આરોગ્ય જેવા જનસુવિધાના ૭ર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. આ તકે તેમણે દ્વારકા નગરીનો સુવર્ણયુગ ફરી આવશે તેમ જણાવી યાત્રાધામમાં શ્રેણીબધ્ધ વિકાસકાર્યો અવિરતપણે ચલાવી ફરી ભવ્યતા પ્રસ્થાપિત થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે  વિકાસસીલ દેશોની જેમ ગુજરાતમાં પણ દેશમાં પ્રથમ  ડીસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરાશે જેમાં દરરોજ ૩૭ કરોડ ખારા પાણીને મીઠું બનાવવામાં આવશે તેમ જણાવી વર્ષ ર૦રરના અંત સુધીમાં ગુજરાતમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચશે તેમ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના ૧૧પ ડેમ ર૦ર૧ના અંત સુધીમાં નર્મદા જળથી ભરાઇ જશે અને દુષ્કાળ ભૂતકાળ બની જશે તેમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ૭ર કરોડના વિકાસકાયોર્શ્રનું લોકાર્પણ/ખાતમુહુર્તમાં ૪૩.ર૬ કરોડના ખર્ચે ભીગજા જુથ સુધારણા યોજનાથી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના ૧.૩૪ લોકોને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે તેમ પણ જણાવ્યું હતું.

બેટ દ્વારકા-ઓખા વચ્ચે દેશની સૌથી લાંબી કેબલ સ્ટેઇડ સીગ્નેચર બ્રીજનું કામ નિર્માણાધીન હોય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોસ્ટયાર્ડના હોવરક્રાફટમાં બેસી બ્રીજની કાર્યપ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. ઓખા-બેટ દ્વારકા વચ્ચેના ૯૬ર.૮૩ કરોડના ખર્ચે નિર્માણાધીન સીગ્નેચર બ્રીજની લંબાઇ ર૩ર૦ મીટર રહેશે જેમાં ૯૦૦ મીટર કેબલ સ્ટેઇડ બ્રીજ બનશે. બ્રીજના મુખ્યગાળાની લંબાઇ પ૦૦ મીટર રહેશે અને પુલની પહોળાઇ ર૭.ર૦ મીટર રહેશે. જેમાં ફોરલેન બ્રીજ ઉપર ર.પ૦ મીટર ફુટપાથ પણ બનશે. ફુટપાથ પર સોલાર પેનાલથી ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે. માર્ચ ર૦૧૮માં શરૂ થયેલ બ્રીજ એપ્રિલ ર૦રર સુધીમાં કાર્યરત થાય તેવી સંભાવના છે. આ બ્રીજના નિર્માણ બાદ યાત્રાળુઓને બેટ આવવા જવા માટે ખૂબ જ સરળતા રહેશે. મુખ્યમંત્રીની મુલાકાત વખતે તેમની સાથે પા.પૂ. મંત્રી કુંવરજી બાવળીયા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, સાંસદ પૂનમબેન માડમ વિ. ઉપસ્થિત રહ્યા હતા.

દેશની દરીયાઇ સીમાઓની રક્ષામાં સેવારત સૈનિક રૂપી ભારતીય તટરક્ષકોને આવાસની સંપૂર્ણ સુવિધા મળી રહે અને દેશની જળસીમાંના રક્ષકોના પરિવારોને પણ સ્વગૃહ જેવી લાગણી આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ મેરિડ એકોમોડેશન બિલ્ડીંગનું ઉદ્દઘાટન કર્યું હતું.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ તટરક્ષક જવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે ગુજરાત ૧૬૦૦ કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે સાથે જ દુશ્મન દેશ સાથે જલ, થલ અને નભ દ્વારા પણ જોડાયેલ છે ત્યારે સમુદ્રી સીમાનું રક્ષણ કરતા કોસ્ટ ગાર્ડના આ જવાનો અનેક દુષ્પ્રવૃતિને બનતી અટકાવવામાં અહમ ભુમિકા નિભાવી રહ્યા છે. દેશમાં માછીમારોનું ઉત્પીડન, હથિયારોની તસ્કરી વગેરે પ્રવૃત્તિઓને રોકવામાં કોસ્ટ ગાર્ડની ભૂમિકા સરાહનીય છે. ગુજરાતમાં મરીન કમાન્ડો અને મરીન પોલીસ દ્વારા પણ ગુજરાત સરકારે તટ અને બંદરોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. મત્સ્યોદ્યોગ, માલવાહક જહાજોની, માછીમારોની સુરક્ષા કરી આંતરરાષ્ટ્રીય વેપાર માટેના કડીરૂપ બંદરો કંડલા, મુંદ્રા પર સતત ધ્યાન આપી 'વયં રક્ષામઃ'ના સૂત્રને આ જવાનો સાર્થક કરી રહ્યા છે.

આ પ્રસંગે કમાન્ડીંગ ઓફીસર ઓખા કોસ્ટગાર્ડ શ્રી મુકેશકુમાર શર્માએ પ્રાસંગિક વકતવ્ય સાથે ભારતીય તટરક્ષક જિલ્લા મુખ્યાલય-૧પ ઓખાના સેવાકર્મીઓની કામગીરીની આછેરી ઝલક આપી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રીજના ચાલુ કામનું હોવર ક્રાફટમાં બેસીને નિરીક્ષણ કર્યું હતું. દ્વારકા જિલ્લાના વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહુર્ત કરવા આવેલા મુખ્યમંત્રીએ આ તકે ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે ૯૬ર.૮૩ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર ઓવરબ્રીજનાં ચાલુ કામનું નિરીક્ષણ કર્યું હતું. બ્રીજની કુલ લંબાઇ ર૩ર૦ મીટર રહેશે જેમાં કેબલ સ્ટેઇડ બ્રીજ ૯૦૦ મીટર રહેશે. બ્રીજના મુખ્ય ગાળાની લંબાઇ પ૦૦ મીટર રહેશે. પુલની પહોળાઇ ર૭.ર૦ મીટર રહેશે જેમાં ચાર માર્ગીય પુલ તથા ર.પ૦ મીટર પહોળી ફુટપાથ બન્ને તરફ બનાવવામાં આવશે. ફુટપાથ બનવાથી યાત્રિકો શ્રધ્ધાળુઓ સુરક્ષિત રીતે ચાલીને પણ ઓખાથી બેટ દ્વારકા જઇ શકશે.

ફુટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી ૧ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. જેનાથી બ્રીજ ઉરની સ્ટ્રીટ લાઇટ પણ ઝળહળશે. માર્ચ ર૦૧૮ થી શરૂ થયેલ બ્રીજનું કામ પુર્ણ થવાની સંભવિત તારીખ એપ્રિલ-ર૦રર છે. આ બ્રીજ બનવાથી ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે આવાગમનનો સેતુ રચાશે. દ્વારકા ઐતિહાસિક સ્થળ હોવાથી શ્રધ્ધાળુ દ્વારકા તથા બેટ દ્વારકા દર્શન માટે આવતા હોય છે, ત્યારે આ પુલનું નિર્માણ થવાથી દર્શનાર્થીઓ તથા સ્થાનિક રહિશોને આવાગમન માટે ખુબ જ સરળતા રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

(11:15 am IST)