Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

હળવદ પંથકની માઇનોર કેનાલમાં પાણી આવ્યા પહેલા તિરાડો

હળવદ તા. ૧ : તાલુકામાં માઈનોર કેનાલમાં પાણી આવ્યાં પહેલાં જ તિરાડો અને બાવળિયા ઉગી નિકળ્યા છે ત્યારે આવી જ સ્થિતિ માલણીયાદ માઈનોર કેનાલમાં નિર્માણ પામી છે. એસ્ટીમેટ મુજબની કામગીરી નહીં કરી હોવાની અનેક ફરિયાદ ખેડૂતોએ તંત્રને કરી હતી જયારે તંત્રે યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા આખરે તાલુકા પંચાયત સદસ્યએ મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. એજન્સીને બ્લેકલીસ્ટ જાહેર કરવા માંગ કરી છે.

ખેડૂતોના ખેતરોમાં પાણી પહોચાડવા માટે માઈનોર કેનાલની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં માઈનોર કેનાલમાં પાણી આવ્યા પહેલાં જ તિરાડો પડી ગઈ છે અને બાવળિયા ઉગી નિકળ્યા છે.માલણીયાદ માઈનોર કેનાલમાં એસ્ટીમેટ મુજબની કામગીરી કરવામાં આવી ન હોવાની અનેક ફરિયાદો ખેડુતોએ તંત્રને કરી હોવા છતા પણ નબળી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના પગલે હાલ માલણીયાદ માઈનોર કેનાલમાં બાવળિયાનુ સામ્રાજય જોવા મળી રહ્યું છે અને તિરાડો પડી જતાં નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ છે. હળવદ તાલુકા પંચાયતના સદસ્ય ભગવતીબેન બળદેવભાઈ પરમારે માલણીયાદ પંથકમાં નબળી કામગીરી કરી હોવાની રજૂઆત મુખ્યમંત્રીને કરી હતી.જેમાં જણાવ્યું મુજબ ખેડુતોની જીવાદોરી સમાન માઈનોર કેનાલમાં એસ્ટીમેટ મુજબની કામગીરી થતી ન હોવાની હલકી ગુણવત્તાની સિમેન્ટ,માટી વાળી રેતી તેમજ સાઈઝમાં ફેરફાર કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કડક પગલાં લેવામાં આવે તેવી રાજયના મુખ્યમંત્રી, સિંચાઈ મંત્રી, સુરેન્દ્રનગર કલેકટર અને મામલતદાર ધ્રાંગધ્રાને રજુઆત કરી હતી.(૨૧.૪)

(12:03 pm IST)