રાજકોટ
News of Friday, 31st December 2021

ઠંડા પીણાની બોટલોમાં દેશી દારૂનું મિશ્રણ કરી નશાયુકત પ્રવાહી વેચવાનું કારસ્તાન પકડાયું

ખારચીયા ગામની સીમમાં આટકોટ પોલીસે દરોડો પાડી વાડી માલીક રાજકોટના વાલજી બાંભવાને ઝડપી લીધોઃ ૧૧ર૦ લીટર તથા ૧૩૬૦ નશાયુકત પ્રવાહી ભરેલી બોટલો કબ્જેઃ નશાયુકત પ્રવાહીની બોટલો ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં વેચાતી'તી ૫૦૦ મી.લી.ની નશાયુકત પ્લાસ્ટીકની બોટલોમાં તુલસી, સંતરા અને હર્બલ ટોનીકના સ્ટીકરો લગાવાયા હતા

રાજકોટ, તા., ૩૧: આટકોટના ખારચીયા ગામની સીમની વાડીમાં આટકોટ પોલીસે દરોડો પાડી ઠંડા પીણાની બોટલોમાં દેશી દારૂનું મિશ્રણ કરી નશાયુકત પ્રવાહી વેચવાનું કારસ્તાન પકડી પાડી વાડી માલીક રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ખારચીયા ગામની સીમમાં વાલજીભાઇ અનુભાઇ બાંભવા (રહે. ગોકુલધામ, મેઇન રોડ, ગીતાંજલી સોસાયટી, રાજકોટ)ની માલીકીની વાડીમાં નશાયુકત પ્રવાહી બનાવી વેચાતુ હોવાની બાતમી મળતા રૂરલ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આટકોટના પીએસઆઇ કે.પી.મેતા તથા સ્ટાફે દરોડો પાડી નશાયુકત પ્રવાહી ભરેલી ૧૩૬૦ બોટલ તથા નશાયુકત પ્રવાહી ૧૧ર૦ લીટર કુલ કિંંમત ૧,૮૦,૦૦૦નો જથ્થો કબ્જે કરી આ નશાયુકત પ્રવાહી બનાવનાર વાલજી બાંભવાને ઝડપી લીધો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ વાલજી ફ્રુટી બીયર બનાવવાનો નોન આલ્કોહોલીક પાવડર પાણીમાં નાખતો હતો. ત્યાર બાદ આ પ્રવાહીમાં દેશી દારૂનું મિશ્રણ કરી આ નશાયુકત પ્રવાહી ૫૦૦ મી.લી. ની પ્લાસ્ટીકની બોટલોમાં ભરતો હતો. નશાયુકત પ્રવાહી અંગે કોઇને ખબર ન પડે તે માટે આ પ્લાસ્ટીકની બોટલોમાં તુલસી, સંતરા અને હર્બલ ટોનીક નામના સ્ટીકરો લગાવતો હતો. બાદમાં આ નશાયુકત પ્રવાહી ભરેલી બોટલો ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સપ્લાય કરતો હતો. આ પ્લાસ્ટીકની બોટલોમાં ૧૬૦ રૂપીયાની કિંમત લખેલ છે. પરંતુ તે ૧૦૦ રૂપીયામાં વેચતો હોવાનું ખુલ્યું છે.

ઠંડા પીણાની બોટલોમાં દેશી દારૂનું મિશ્રણ કરી વેચવાના કારસ્તાનમાં પકડાયેલ વાલજી બાંભવા સાથે અન્ય કોઇ શખ્સો સામેલ છે કે કેમ? તે અંગે તેની વિશેષ તપાસ શરૂ કરી છે.

(3:36 pm IST)