રાજકોટ
News of Friday, 31st December 2021

શ્રી કોલોનીમાં નક્ષત્ર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ઉઠાવગીર ફોર્ચ્યુનર કાર હંકારી ગયોઃ સીસીટીવી ફૂટેજમાં દેખાયો

ધ્રુવ વસંતભાઇ રામાણીએ ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે તપાસ આદરી

રાજકોટઃ શહેરમાં ઉઠાવગીરોને ડર ન રહ્યો હોય તેમ શ્રીકોલોનીમાં ગુરૂવારની રાતે દસેક વાગ્યે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બિન્દાસ્ત પ્રવેશ કરી લોક ખોલી પટેલ પરિવારની રૂ. ૨૦ લાખની ફોર્ચ્યુનર કાર હંકારી જતાં ચર્ચા જાગી છે. પોલીસે ગુનો દાખલ કરી ઉઠાવગીર અને કારની શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે શ્રી કોલોની સોસાયટી જલીયાણ માર્ગ નક્ષત્ર એપાર્ટમેન્ટ-૨૦૨માં રહેતાં અને હાલ વિદેશ અભ્યાસ કરતાં ધ્રુવ વસંતભાઇ રામાણી (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

ધ્રુવ રામાણીએ પોલીસને જણાવ્યું છે કે મારા માતા કોમલબેનના નામની ટોયોટા ફોર્ચ્યુનર ગાડી જીજે૦૩એલએમ-૧૮૨૧ છે. જેનો ઉપયોગ હું અને મારા પિતા કરીએ છીએ. ડ્રાઇવર તરીકે સતિષ ગોંડલીયા છે. તા. ૩૦/૧૨ના આ કાર મેં અમારા ફલેટના પાર્કિંગમાં રાખી હતી. જેની એક ચાવી અમે ફલેટમાં નીચે સિકયુરીટી ગાર્ડને સાફસફાઇ માટે આપી હોય છે. બીજી ચાવી ઘરમાં રાખીએ છીએ. ૩૦મીએ બપોરે બારેક વાગ્યે ગાડી લઇ હું બજારમાં ગયો હતો. એ પછી બપોરે પોણા એકાદ વાગ્યે પરત આવી પાર્કિંગમાં કાર મુકી લોક કરી હતી.

ત્યારબાદ રાતે દસેક વાગ્યે બહાર જવા નીકળતી વખતે પાર્કિંગમાં જતાં કાર જોવા મળી નહોતી. આજુબાજુમાં તપાસ કરવા છતાં નહિ મળતાં સિકયુરીટીને પુછતાં તેણે પણ ગાડી જોઇ નહિ હોવાનું કહેતાં પોલીસને જાણ કરી હતી. ૨૦ લાખની આ કાર એક શખ્સ પાર્કિંગમાં આવી લોક ખોલી હંકારી ગયાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેના આધારે પોલીસે તપાસ આદરી છે. જીજે૦૩એલએમ-૧૮૨૧ નંબરની ફોર્ચ્યુનર કાર કોઇને જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. તસ્વીરમાં કાળા કપડા પહેરી પાર્કિંગમાં આવેલો શખ્સ કાર હંકારી ગયો તે દ્રશ્યો જોઇ શકાય છે. 

(3:13 pm IST)