રાજકોટ
News of Thursday, 26th April 2018

એકશન પ્લાન

સૂર્યના પ્રકોપ સામે સુરક્ષાના પગલાઃ છાસ - પાણી - ORSનું વિતરણ થશેઃ બંછાનીધિ પાની

રાજકોટ તા. ૨૬ : શહેરમાં સુર્યનારાયણ આકરો મિજાજ બનાવી રહ્યા છે. ગરમીનો પારો ૪૧ થી ૪૨ ડીગ્રી સુધી પહોંચી રહ્યો છે ત્યારે હીટવેવ (ગરમ લૂ)થી નાગરિકોને બચાવવા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સૂચનાઓ આથી એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે.

આ એકશન પ્લાન અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ સત્તાવાર જાહેર કરેલ વિગતો મુજબ 'તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં ઓ.આર.એસ. પેકેટનું વિતરણ તથા શહેરમાં વિવિધ જાહેર રસ્તાઓ - મુખ્ય ચોક વગેરે સ્થળોએ ઠંડુ શુધ્ધ પાણી અને છાસ વિતરણની વ્યવસ્થા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ઉભી કરાશે.'

આ ઉપરાંત ૧૦૮ની ટીમ તથા આરોગ્ય વર્કરોની ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે. જેથી હીટવેવના સ્ટ્રોક લાગવાના કિસ્સામાં તાત્કાલીક સારવાર આપી શકાય.

આમ, તંત્ર દ્વારા આકરા તાપમાનના સુરક્ષાના પગલા લેવાઇ રહ્યા છે.

મંજુરીની જરૂર નથી

દરમિયાન મ્યુનિ. કમિશ્નરની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, હાલ ઉનાળાની સીઝનમાં ચાલી રહેલા હીટ વેવના માહોલ સામે લોકોને રક્ષણ આપવાના હેતુથી જે કોઈ સંસ્થા કે નગરજનો રોડની સાઈડમાં નિૅંશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર ખોલવા માંગતા હોય તો તેમણે રાજકોટ મહાનગરપાલિકાને કોઈ ચાર્જ ચુકવવાનો રહેતો નથી, તેમજ મહાનગરપાલિકાની પરવાનગી મેળવવાની પણ આવશ્યકતા નથી. સંસ્થાઓ કે સંબંધિત નાગરિકોએ આ છાસ વિતરણ કેન્દ્ર શરૂ કરતા પહેલા મહાનગરપાલિકાને માત્ર જાણ કરવાની રહેશે તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવેલ છે.    વધુમાં કમિશનરશ્રીએ જણાવેલું કે, હાલ રાજકોટ શહેરમાં હીટ વેવનો માહોલ વધુ જોવા મળે છે. આવા માહોલમાં જો કોઈ સંસ્થા કે નગરજનો નિૅંશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર કરવા માંગતા હોય તો તેમણે હાલ માટે રાજકોટ મહાનગરપાલિકાની પરવાનગી મેળવવી જરૂરી નથી, પરંતુ કેન્દ્ર ચાલુ કર્યા પહેલા રાજકોટ મહાનગરપાલિકાને જાણ કરવાની રહેશે. છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરવા માટે જરૂરી મંડપના ગાળાનો કોઈ ચાર્જ વસુલવામાં આવશે નથી અને કોઈ મંજુરીની પણ જરૂર રહેતી નથી, પરંતુ મંડપ રોડની સાઈડમાં ટ્રાફિકને અડચણ રૂપ ન થાય તે રીતે રાખવાનો રહેશે. શહેરમાં કોઈ પણ જગ્યાએ છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરી શકે છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવેલ હતું.

(4:03 pm IST)