રાજકોટ
News of Saturday, 31st October 2020

સમરસ કોવિડના આરોગ્ય કર્મીઓના બેમોઢે વખાણ કરતાં વિશાલ કાચા

કાચા પરિવાર સામે કોરોના કમજોર પડી ગયો

કોરોનાના વિષમ સમયમાં દર્દીઓનાં સ્વાસ્થ્યની સંભાળ માટે હોસ્પિટલ ખાતે ફરજપરસ્ત કોરોના વોરિયર્સ અવિરતપણે સેવા બજાવી રહ્યાં છે. ત્યારે સિવિલ હોસ્પિટલ અને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ૧૦ દિવસ સારવાર મેળવ્યાં બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ઘરે પહોંચતા કાચા પરિવારે તમામ આરોગ્યકર્મીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી કોરોના વોરિયર્સનો જુસ્સા અને કામગીરીના ખોબલે ખોબલે વખાણ કર્યા હતાં.

કોરોનાગ્રસ્ત દર્દીઓને સ્વસ્થતા બક્ષવા ચોવીસે કલાક સેવારત આરોગ્યકર્મીઓના કાર્યને બિરદાવતા કોરોનાના દર્દી વિશાલભાઈએ કહ્યું હતું કે, 'સિવિલ તેમજ સમરસ સંકુલ ખાતે કાર્ય કરતાં સ્ટાફનાં તમામ સભ્યો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની કામગીરી બજાવી રહ્યાં છે. અહીં અડધી રાત્રે પણ જરૂર પડે તો આરોગ્યકર્મીઓ હાજર થઈ જતાં.

તેઓ કોરોનાને હરાવવા માટે અમને માનસિક સધિયારો આપતાં સાથે જ દવા, ઉકાળાનું સેવન સહિત કસરત અને વોકિંગ માટે પ્રોત્સાહિત કરતાં જેથી અમે ઝડપથી કોરોનામાંથી મુકિત મેળવી શકયા છીએ.'

(12:48 pm IST)