રાજકોટ
News of Thursday, 31st October 2019

કોઠારીયા રોડ હુડકોમાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્ર જેકી ઉર્ફ જ્વલંતની કાર સળગાવાઇઃ કાર નીચે ફટાકડો આવી જતાં ચાલક જયદિપસિંહ પર હુમલો

જેકી ઉર્ફ જ્વલંત, તેના માતા મોનાબેન ઠાકર, હાર્દિક મોલિયા અને અજાણ્યા સામે દરબાર યુવાનની ફરિયાદઃ પુત્રની કાર કોણે સળગાવી તે અંગે પૂર્વ મહિલા કોર્પોરેટર અજાણ

દિવાળીની રાતે કોઠારીયા રોડ પર હુડકો કવાર્ટર પાસે શાળા નં. ૬૧ નજીક આવેલી આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ-શો રૂમ પાસેથી આઇ-૧૦ કાર હંકારીને નીકળેલા હુડકો કવાર્ટરના દરબાર યુવાનની કાર નીચે કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્રએ રોડ પર ફોડવા મુકેલો મોટો ફટાકડો આવી જતાં બોલાચાલી થતાં દરબાર યુવાન પર પૂર્વ મહિલા કોર્પોરેટર,  તેના પુત્ર સહિત ચાર જણાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ છરીથી ઇજા કરતાં અને કારમાં નુકસાન કરતાં ધમાલ મચી ગઇ હતી. એ પછી પૂર્વ કોર્પોરેટરના દિકરાની ડસ્ટર કાર કોઇએ સળગાવી નાંખી બે લાખનું નુકસાન કર્યુ હતું. કાર કોણે સળગાવી? તેની તપાસ થઇ રહી છે.

ભકિતનગર પોલીસે હુડકો કવાર્ટર સી-૧૬૨માં રહેતાં પૂર્વ કોર્પોરેટર મોનાબેન રમેશભાઇ ઠાકર (ઉ.૫૯)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૪૩૫ મુજબ તેમના દિકરા જ્વલંત ઉર્ફ જેકી ઠાકરની ડસ્ટર કાર જીજે૦૩એફકે-૦૦૨૫ સળગાવી નાંખી રૂ. ૨ લાખનું નુકસાન કરવા સબબ ગુનો નોંધ્યો હતો.

મોનાબેન ઠાકરના કહેવા મુજબ અમારી કોઠારીયા રોડ શાળા નં. ૬૧ પાસે અમારી આશાપુરા એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ આવેલી છે. અહિ મારો દિકરો જ્વલંત ઉર્ફ જેકી બેસે છે. દિવાળીની રાતે અમે ચોડપા પુજનની વિધીમાં હતાં અને બાદમાં શુકન પુરતા ફટાકડા ફોડતાં હતાંઉ આ વખતે મારા દિકરા જેકીને ફટાકડા બાબતે એક કાર ચાલક અને તેની સાથેના શખ્સ સાથે બોલચાલી થઇ હતી. એ પછી અમે બધા પરિવારજનો ઘરે ગયા હતાં. ત્યારબાદ રાત્રીના એકાદ વાગ્યે અમારી ઓફિસ પાસે પાર્ક કરાયેલી દિકરા જ્વલંતની ડસ્ટર કાર સળગતી હોવાની જાણ અજાણ્યા વ્યકિતએ કરતાં અમે ત્યાં જઇ તપાસ કરતાં કાર સળગતી જોવા મળી હતી અને ફાયર બ્રિગેડને જાણ કરતાં બંબો આવ્યો હતો અને આગ બુઝાવી હતી. જો કે આગથી રૂ. બે લાખનું નુકસાન થયું હતું. કોઇએ જાણી જોઇને આ કાર સળગાવી હતી.

જયદિપસિંહ ઝાલાની જેકી ઉર્ફ જ્વલંત, તેના માતા સહિત ૪ વિરૂધ્ધ ફરિયાદ

બીજી તરફ હુડકો કવાર્ટર ડી-૧૪૮, હુડકો ચોકી પાછળ રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો જયદિપસિંહ દિલીપસિંહ ઝાલા (ઉ.૨૮) પણ દિવાળીની રાતે ઘાયલ થયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને ચોકીના સ્ટાફની પુછતાછમાં પોતાના પર જેકી, મોૈલિક સહિતનાએ તલવાર-ધોકાથી હુમલો કર્યાનું જણાવતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પોલીસે જયદિપસિંહ ઝાલાની ફરિયાદ પરથી જેકી ઉર્ફ જ્વલંત, તેના માતા, હાર્દિક મોલીયા તથા અજાણ્યા સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૪૨૭ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જયદિપસિંહે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું દિવાળીની રાતે  મારી આઇ-૧૦ક ાર જીજે૧૨સીપી-૭૩૦૦ હંકારી મારી સાથે નરેન્દ્રસિંહ નટુભાજાડેજાને બેસાડી આશાપુરાનગરથી મારા ઘર તરફ જતો હતો. આ વખતે શાળા નં. ૬૧ નજીક રજવાડી પાન વાળા ચોકમાં આશાપુરા એન્ટરપ્રાઇઝ પાસે કેટલાક લોકો ફટાકડા ફોડતાં હતાં. જેમાં એક ફટાકડો મારી કાર નીચે આવી જતાં મેં કાર ઉભી રાખી હતી. આથી આશાપુરા દૂકાનવાળો જેકી ઉર્ફ જ્વલંત  આવીને ઝઘડો કરવા માંડ્યો હતો અને ગાળો બોલવા માંડ્યો હતો. ગાળો દેવાની ના પાડતાં તે તથા સાથેનો હાર્દિકે મને ઢીકા-પાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતું. અન્ય અજાણ્યાએ આવી છરીથી મને ડાબા કાન અને ડાબી આંખ ઉપર ઇજા કરી હતી. સાથેના નરેન્દ્રસિંહે મને છોડાવ્યો હતો. દરમ્યિાન ધોકા ફટકારી મારી કારમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતું. એ પછી હું એક ભાઇના બાઇકમાં બેસી મધુરમ્ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યો હતો.

એએસઆઇ સુભાષભાઇ ડાંગર અને હેડકોન્સ. રસિકભાઇએ સામ-સામી ફરિયાદ નોંધી હતી. હુડકો ચોકીના પીએસઆઇ સાકરીયા અને ટીમે તપાસ હાથ ધરી છે.

(3:46 pm IST)