રાજકોટ
News of Thursday, 31st October 2019

દિવાળીએ રાજકોટમાં ફટાકડા ફોડતા ૩૧ દાઝયાઃસિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી

તાલાલાના મોરૂકામાં ભાઇ-બહેન અને શાપરમાં ૧૧ વર્ષનો ટેણીયો દાઝયો

રાજકોટ તા. ૩૧: દિવાળીના તહેવારમાં રાજકોટ શહેરમાં ફટાકડાથી દાઝી જવાના ૩૫ બનાવોમાં સિવિલ હોસ્પિટલમાં દાઝેલા વ્યકિતઓને ઓપીડી સારવાર અપાઇ હતી. જ્યારે તાલાલાના મોરૂકામાં બેસતા વર્ષની સવારે ફટાકડા ફોડતી વખતે પિત્રાઇ ભાઇ બહેન દાઝી જતાં અને શાપર વેરાવળમાં એક ટાબરીયો હાથમાં ફટાકડો ફૂટતા દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

જાણવા મળ્યા મુજબ દિવાળીની રાતથી નવા વર્ષની વહેલી સવાર સુધી સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં દાઝેલા વ્યકિતઓ, બાળકો સારવાર માટે આવ્યા હતાં. ૩૫ જેટલા ઓપીડી કેસમાં બાળકો સહિતનાને સારવાર અપાઇ હતી. જ્યારે તાલાલાના મોરૂકામાં નવા વર્ષની સવારે હિરલ પ્રવિણભાઇ વાળા (ઉ.૯) વર્ષની વણકર પરિવારની બાળા અને તેનો પિત્રાઇ ભાઇ પ્રશાંત પ્રેમજીભાઇ વાળા (ઉ.૯) ફટાકડા-ફુલઝરનો ઢગલો કરી ફોડવા બેઠા હતાં ત્યારે તણખો પડતાં ધડાકા થતાં બંને હાથે-મોઢે-પગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં એમએલસી કેસ જાહેર કરાયો હતો. બંને ધોરણ-૩માં અભ્યાસ કરે છે.

અન્ય બનાવમાં શાપર વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસે રહેતો અમરીશ અનિલભાઇ પ્રસાદ (ઉ.૧૧) બેસતા વર્ષની બપોરે ત્રણેક વાગ્યે ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે હમાથમાં ફટાકડો ફુટતાં દાઝી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં જેણે સારવાર લીધી હતી તેમાં નિશા ગીરીશભાઇ (ઉ.૧૬), મનહરબા સુરેશભાઇ (ઉ.૧૭), યુવરાજસિંહ ઝાલા (ઉ.૧૭), મહેન્દ્ર લક્ષમણભાઇ (ઉ.૭), સાગર પ્રતાપભાઇ (ઉ.૧૪), કિરણબેન ગોપાલભાઇ (ઉ.૪૫), જતીન પ્રકાશભાઇ (ઉ.૧૨), ઉદીત સોનારા (ઉ.૧૭), ભીમ બાટવા (ઉ.૨૦), કરન હોથી (ઉ.૨૪), ઋત્વીક પરમાર (ઉ.૧૭), દાનીશ દિલાવર (ઉ.૭), નિકુંજ મારડીયા (ઉ.૨૨), હર્ષ હસમુખભાઇ (ઉ.૨૧), સુરેશ દેવરાજભાઇ (ઉ.૨૨), આરબ કાદરી (ઉ.૧૯), દર્શનભાઇ જીવણભાઇ (ઉ.૫૫), મીત સુરેશભાઇ (ઉ.૧૦), હફીજાબેન આશિફભાઇ (ઉ.૩૦), નિખીલ મેહુલભાઇ (ઉ.૫), યશ લાલજીભાઇ (ઉ.૫), જયરાજ તરૂણભાઇ (ઉ.૧૯), સાહિલ અકબરભાઇ (ઉ.૧૫), જગદીશ ભીમભાઇ (ઉ.૨૧), રાજવિરસિંહ વાઘેલા (ઉ.૧૦), રાહુલ યશવંતભાઇ (ઉ.૩૦), ઓમ સુજીતભાઇ (ઉ.૧૫), વિમલ જગદીશભાઇ (ઉ.૨૦), ઉમેશ અરવિંદભાઇ (ઉ.૧૫), વર્ષાબેન દિલીપભાઇ (ઉ.૩૨) અને ઉમેશ અશ્વિનભાઇ (ઉ.૧૬)નો સમાવેશ થાય છે.

સિવિલ હોસ્પિટલમાં રજાના દિવસોમાં પણ તબિબો, નર્સિંગ સ્ટાફે સતત ફરજ બજાવી હતી. ખાનગી હોસ્પિટલમાં પણ કેટલાકે સારવાર લીધી હશે.

(3:30 pm IST)