રાજકોટ
News of Thursday, 31st October 2019

હનુમાન મઢી પાછળ રહેતાં સહયોગ પાનવાળા લક્ષ્મીશંકરભાઇ જોષીનું બેભાન હાલતમાં મોત

ગંજીવાડામાં ઘરમાં પડી જતાં ઇજાઃ ખીમજીભાઇ ડાભીનું મોત

રાજકોટ તા. ૩૧: રૈયા રોડ પર ભગવતી હોલવાળી શેરીમાં રહેતાં સહયોગ પાનવાળા લક્ષ્મીશંકરભાઇ છગનલાલ જોષી (ઉ.વ.૮૨) ભાઇબીજના દિવસે બપોર બાદ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃત્યુ પામનાર લક્ષ્મીશંકરભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રો છે. લક્ષ્મીશંકરભાઇ ખુબ જ સરળ અને મળતાવડા સ્વભાવના અને આસપાસના રહેવાસીઓને સતત મદદરૂપ થવાનો સ્વભાવ ધરાવતાં હતાં. આ વિસ્તારના જાગૃત કાર્યકર પણ ગણાતા હતાં. તેઓ પુત્રો સાથે સહયોગ પાન નામની દૂકાને બેસતાં હતાં. હાલમાં નિવૃત જીવન ગાળતા હતાં. ગાંધીગ્રામના પીએસઆઇ વી.સી. પરમારે એડી નોંધી કાર્યવાહી કરી હતી. લક્ષ્મીશંકરભાઇ અગાઉ રેલ્વેમાં ફરજ બજાવતાં હતાં. તહેવારમાં વડિલના અવસાનથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.

બીજા બનાવમાં ગંજીવાડા-૧માં રહેતો ખીમજીભાઇ મનજીભાઇ ડાભી (ઉ.૩૫) નામનો યુવાન ભાઇબીજની સવારે આઠેક વાગ્યે ઘરે પડી જતાં માથામાં ઇજા થતાં ઘરગથ્થુ ઉપચાર કરાયો હતો. બીજા દિવસે બુધવારે સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.

(3:29 pm IST)