રાજકોટ
News of Thursday, 31st October 2019

સર્વેશ્વર ચોકમાં ટુવ્હીલરની ડેકી તોડી ૯૮ હજારની ચોરીઃ ૪ શખ્સો સીસીટીવીમાં દેખાયા

શેઠે આપેલા પૈસા જમા કરાવવા ગયોઃ વચ્ચે થોડી મિનીટ વકિલ પાસે ગયો ને કળા થઇ ગઇ : પોલીસે શંકાને આધારે કેટલાક શખ્સોને સકંજામાં લઇ પુછતાછ આરંભી

રાજકોટ તા. ૩૧: મવડી પ્લોટમાં રહેતાં અને કન્ટ્રકશન કંપનીમાં નોકરી કરતાં ક્ષત્રિ યુવાનને શેઠે બેંકમાં જમા કરાવવા આપેલા રૂ. ૯૮ હજાર યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં ટુવ્હીલરની ડેકી તોડી ચોરી લેવામાં આવતાં ફરિયાદ થઇ છે. સીસીટીવી ફૂટેજમાં કેરાલીયન જેવા બે બાઇક પર આવેલા ચાર શખ્સો ડેકી તોડી ચોરી કરી ગયાનું દેખાતાં તપાસ શરૂ થઇ છે. શકમંદોને એક બ્રાંચે સકંજામાં લઇ પુછતાછ આદરતાં વધુ ગુનાના ભેદ ખુલવાની પણ શકયતા છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે મવડી પ્લોટ ગિરનાર સોસાયટી-૫માં રહેતાં અને શ્રીનાથ કંટ્રકશન કંપનીમાં એક વર્ષથી નોકરી કરતાં કુલદિપસિંહ ખેંગુભા જાડેજા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૭૯ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે.

કુલદિપસિંહના કહેવા મુજબ મારા શેઠનું નામ કૃણાલભાઇ ચંદુભાઇ ગોલ છે અને હાલમાં તેમની સાઇટ રૈયાધાર પાણીના ટાંકા સામે સનસીટી હેવન નામે ચાલે છે. ૧૮/૧૦ના રોજ હું સાઇટ પર મારી નોકરીએ હતો ત્યારે શેઠ કૃણાલભાઇએ મને કહેલ કે મારા મિત્ર વિપુલભાઇ પટેલ અને તેમના પત્નિના એકાઉન્ટમાં રૂ. ૪૯-૪૯ હજાર જમા કરાવવાના છે. એ પછી મને ૯૮ હજાર રૂપિયા આપતાં હું પ્લાસ્ટીકની થેલીમાં આ રોકડ રાખી કંપનીનું જ્યુપીટર વાહન જીજે૦૩કેએફ-૩૭૨૦ની ડેકીમાં થેલી રાખી બેંક ઓફ બરોડામાં ભરવા માટે રૈયાધારથી કોટેચા ચોકમાં આવ્યો હતો.

અહિ બેંકમાં રૂપિયા ભરપાઇ કરવા માટે જતાં મેનેજરે નાના દરની નોટો હોવાથી ન સંભાળતાં અને તમારું એકાઉન્ટ જે બ્રાંચમાં હોય ત્યાં ભરી આવવાનું કહેતાં હું રોકડની થેલી લઇ બહાર વાહન પાર્ક કર્યુ હતું ત્યાં ગયો હતો અને ડેકીમાં રોકડ રાખી યાજ્ઞિક રોડ પર હરિભાઇ હોલ પાછળની બેંક ઓફ બરોડાની બ્રાંચ ખાતે જવા નીકળ્યો હતો. એ પહેલા સર્વેશ્વર ચોકમાં વકિલ મહેશભાઇ સખીયાની ઓફિસે સાટાખત લેવાનું હોઇ જેથી મારુ વાહન શિવમ્ કોમ્પલેક્ષ નીચે પાર્ક કર્યુ હતું અને સાટાખત લેવા ગયો હતો.

૧૧:૫૦ કલાકે વાહન પાર્ક કર્યુ હતું અને ૧૨:૧૦ કલાકે પાછો આવ્યો હતો. એ પછી બેંક ખાતે પહોંચ્યો હતો અને વાહન પાર્ક કરી પૈસા કાઢવા ડેકી ખોલતાં રોકડની થેલી જોવા મળી નહોતી. આથી હું ફરી સર્વેશ્વર ચોકમાં શિવમ્ કોમ્પલેક્ષ પાસે ગયો હતો. ત્યાં આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં કેરાલીયન જેવા ચાર શખ્સો બે બાઇક પર આવી ડેકી તોડી રૂપિયા કાઢી ગયાનું જણાતાં ઘરમેળે તપાસ બાદ ફરિયાદ નોંધાવી હતી. એ-ડિવીઝનના એએસઆઇ બી.ડી. મહેતાએ ગુનો નોંધતા પીએસઆઇ એસ. વી. સાખરાએ વધુ તપાસ હાથ ધરી છે.

(3:28 pm IST)