રાજકોટ
News of Thursday, 31st October 2019

અટિકા આહિર ચોકમાં સોનારા એસ્ટેટમાં ઘુસી પાંચ શખ્સોનો અભય સોનારા પર સશસ્ત્ર હુમલો

અમારા ભાડૂઆતને તમે શું કામ દૂકાન આપો છો?...કહી આતંક મચાવ્યો : માથામાં તલવારના ઘાઃ હાથની આંગળી-વાંસામાં ગંભીર ઇજાઃ જયેશ ડાંગર, લાલો ચોટી, પ્રેમ ડાંગર, ભરત કુગશીયા અને વિશાલ કાનગડ તલવાર, પાઇપથી તૂટી પડ્યાઃ સર્વોદય સોસાયટીનો આહિર યુવાન સારવારમાં

રાજકોટ તા. ૩૧: ઢેબર રોડ અટિકા સાઉથમાં ન્યુ સર્વોદય સોસાયટી-૩માં રહેતાં અને ઘર નજીક આહિર ચોકમાં સોનારા એસ્ટેટ નામે ઓફિસ ધરાવતાં અભય અશોકભાઇ સોનારા (ઉ.૨૩) નામના આહિર યુવાનને તે સાંજે પોતાની ઓફિસે એકલો હતો ત્યારે નજીકમાં પાનની દૂકાન ધરાવતાં અને ઓફિસ ધરાવતાં જયેશ રાણાભાઇ ડાંગર તથા તેની સાથેના લાલો ચોટી, પ્રેમ ડાંગર, ભરત ધીરૂભાઇ કુગશીયા,  અને વિશાલ પાંચાભાઇ કાનગડે પાઇપ-તલવાર સાથે ધસી આવી દૂકાન ભાડે આપવાના ડખ્ખામાં હુમલો કરતાં માથા, હાથની આંગળી, વાંસા, શરીરે ઇજાઓ થતાં સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

ભકિતનગર પોલીસે અભય સોનારાની ફરિયાદ પરથી પાંચેય શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અભય સોનારા એસ્ટેટમાં બેસી કામ કરે છે. તેના પિતા અશોકભાઇના કહેવા મુજબ અમારે ઓફિસનો બહુ ઉપયોગ ન રહેતો હોઇ આ ઓફિસવાળી દૂકાન ભાડે આપવાનું નક્કી કર્યુ હતું. અમારી આ દૂકાન કાનાભાઇ ગેરેજવાળા મામાને ભાડે રાખવી હતી. હાલમાં કાનાભાઇ હુમલો કરનારા જયેશ ડાંગરની દૂકાન ભાડે રાખી ગેરેજ ચલાવે છે. હવે તે અમારી દૂકાનમાં ભાડૂઆત તરીકે આવવાના હોઇ જયેશને ન ગમતાં તેણે 'તમે અમારા ભાડૂઆતને શું કામ લઇ જાવ છો?' કહી ઝઘડો કરી ગાળાગાળી કર્યા બાદ બીજા શખ્સો સાથે મળી ઓફિસમાં ઘુસી હુમલો કર્યો હતો.

ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ આર. એન. સાંકળીયાએ આ અંગે તપાસ હાથ ધરી છે.

(3:25 pm IST)