રાજકોટ
News of Thursday, 31st October 2019

૪ દિ'માં શહેરમાં આગ લાગવાના ૪૧ બનાવોઃ ફાયરબ્રિગેડ દોડતું રહ્યું

શહેરના સંતકબીર રોડ પર ગેસની લાઇન લીકેજથી આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા લોકો તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા.૩૧: શહેરમાં દિવાળી અને નૂતન વર્ષ પર્વની ઉમંગ ઉલ્લાસથી ઉજવણી થઇ હતી. તા.રપ થી ર૮ સુધી ફટાકડાના કારણે આગ લાગવાના ૪૪ જેટલા બનાવો બનતા ફાયર બ્રિગેડ તંત્ર આગ બુજાવવા સતત દોડતું રહ્યું હતુ. કચરાના ઢગલા, ભંગારના ડેલા, મકાનો, દુકાનો, વરંડા સહિતના સ્થળોએ આગ લાગવાના કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ સતત દોડધામ કરતી રહી હતી.

આ અંગે ચીફ ફાયર ઓફીસરના જણાવ્યા પ્રમાણે તા.રપ થી ર૮ સુધી સવારે ૮ વાગ્યા સુધીમાં શહેરમાં આગ લાગવાના ૪૪ બનાવો બન્યા હતા. જેમાં કોઠારીયા રોડ પર આર. બી. કન્સ્ટ્રકશનના પડેલા સામાનમાં આગ લાગવા, આજી જીઆઇડીસીમાં અમુલ ઇન્ડસ્ટ્રીઝની સામે કચરામાં, લક્ષ્મીનગરના નાલા વિસ્તારમાં શૌચાલય પાસે પાર્ક કરેલી કારમાં, જાગનાથ મહાદેવ મંદિર પાસે કચરા પેટીમાં, બાપુનગર, અટીકા, પેડક રોડ વિસ્તારમાં પડેલ કચરામાં તથા ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે જીઆઇડીસીમાં રૂમમાં આગ લાગેલ, જુના જી.ઇ.બી. પાસે, સાધુ વાસવાણી રોડ પર શેડમાં,  કેનાલ રોડ પર દુકાન ઉપર, શાપર વેરાવળમાં એસ.આઇ.ડી. રોડ પર શ્રીજી પોલીમર્સ કારખાનામાં આગ, કોઠારીયા ચોકડીથી પીરવાડી તરફ કિશાન પમ્પ પાસે રોટલી બનાવવાના મશીનના કારખાનાની છત પર પડેલા કચરા તથા ૧પ૦ ફુટ રોડ, મયુરનગર, રામનાથપરા, કુવાડવા રોડ, ઢેબર રોડ, સિવિલ હોસ્પિટલ સહિતના ઔદ્યોગીક એકમોમાં ૪, ઓફીસ, ધંધાકીયમાં-પ, તથા રહેણાંકમાં પ સહિત ૧૩ આગના બનાવો તેમજ વંડામાં તથા કચરા પેટી સહિત ૩૧ બનાવો બન્યા હતા.

(3:01 pm IST)