રાજકોટ
News of Thursday, 31st October 2019

નવા વર્ષ-ભાઇબીજના પર્વની રાજકોટમાં રંગેચંગે ઉજવણી

નૂતન વર્ષના પ્રારંભે મોડે-મોડેથી લોકો એકબીજાને સાલ મુબારક કરવા નીકળ્યાઃ અનેક શહેરીજનો હરવા-ફરવાના સ્થળે પહોંચ્યાઃ રાજકોટની બજારો હજુ સુમસામઃ કાલથી ધમધમશે

રાજકોટ તા.૩૧: રંગીલા રાજકોટના લોકોએ દિપાવલી પર્વની રંગેચંગે ઉજવણી કરી છે. નવા વર્ષ અને ભાઇબીજની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષ ૨૦૭૬ના પ્રારંભે લોકો વહેલી સવારે નહીં પરંતુ પોતાની અનુ કૂળતાએ મિત્રો, સગા-સંબંધીઓ, વડીલો વગેરેને સાલ મુબારક કરવા નીકળી પડ્યા હતા જે સીલસીલો મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો. વોટ્સએપ અને સોશ્યલ મીડિયામાં પણ હેપી ન્યુ યરનો જોરદાર મારો રહ્યો હતો. બેસતા વર્ષના દિવસે રાતના સમયે રાજકોટની તમામ હોટલો હાઉસફુલ જોવા મળી હતી. બીજા દિવસે એટલે કે ભાઇબીજની પણ લોકોએ ઉજવણી કરી હતી.

રાજકોટમાં હજુ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે લાભ પાંચમ હોઇ આવતીકાલથી બજારો ધમધમતી થશે. આજે પણ રાજકોટની મોટાભાગની બજારો અને દુકાનો બંધ રહેવા પામી છે.

રાજકોટના લોકો હરવા-ફરવાના શોખીન હોઇ અનેક પરિવારો પોતાના ગજા પ્રમાણે ફરવા નીકળી ગયા છે. આબુ, અંબાજી, સાપુતારા, મુંબઇ, હરિદ્વાર, તીથલ, દ્વારકા, દિવ, સોમનાથ, સાસણ, મહાબળેશ્વર, ગોવા તરફ ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો.  દ્વારકા અને સોમનાથમાં વિશેષ ભીડ જોવા મળી હતી. દર્શન માટે લાંબી-લાંબી લાઇનો પણ જોવા મળી હતી. આ બંને ભકિતના કેન્દ્રો ઉપરાંત દિવમાં પણ હોટલો હાઉસફુલ રહી હતી. વિશેષ આકર્ષણ દિવનું રહ્યુ હતું. દિવમાં ભારે ભીડ જોવા મળી હતી. નાગવા બીચ પ્રવાસીઓથી ભરાઇ ગયો હતો.

આવતીકાલે વેપારીઓ લાભપાંચમનું મુહૂર્ત કરશે. ઠેર-ઠેર સવારે પૂજન કરી વેપાર-ધંધાનો પ્રારંભ કરશે અને તેથી આવતીકાલથી બજારો પુનઃ ધમધમતી થશે.

(3:00 pm IST)