રાજકોટ
News of Thursday, 31st October 2019

ગુલાબનગરમાં નવા વર્ષની રાતે જુના ડખ્ખામાં મુકેશ મંદુરીયા પર કુહાડી-ધોકાના ઘાઃ પગ ભાંગી ગયો

ધીરૂ દેવીપૂજક અને અજાણ્યા શખ્સે ઢીકા-પાટુનો માર પણ માર્યો

રાજકોટ તા. ૩૧: કોઠારીયા સોલવન્ટ નજીક ગુલાબનગર સોમનાથ ઇન્ડસ્ટ્રી મેઇન રોડ પર રેલ્વેના પાટા પાસે ઝૂપડામાં રહેતાં મુકેશ ભીખુભાઇ મંદુરીયા (ઉ.૩૦) ઉપર બેસતા વર્ષની રાતે ધીરૂ રૈયાભાઇ દેવીપૂજક અને અજાણ્યા શખ્સે ધોકા-કુહાડાથી હુમલો કરી માથામાં તેમજ જમણા પગે ઘુંટણ નીચે ઈજાઓ કરતાં તેમજ ઢીકા-પાટુનો માર પણ મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજીડેમના પીએસઆઇ આર. બી. વાઘેલા અને હેમતભાઇ તળાવીયાએ મુકેશની ફરિયાદ પરથી બંને હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો. અગાઉ ધીરૂના સગા રામજી સાડમીયા સાથે મુકેશને ઝઘડો થયો હોઇ તેનું મનદુઃખ રાખી આ ડખ્ખો કરવામાં આવ્યાનું મુકેશે પોલીસને જણાવ્યું હતું.

રઘુનંદન સોસાયટીમાં મદ્રાસી યુવાનને સાળા-સસરાએ ધોકાવ્યો

પોપટપરા મેઇન રોડ પર રઘુનંદન સોસાયટી-૭માં રહેતાં અને ઇડલી ઢોસાનું કામ કરતાં રામણીગમ કલીયન આદિત્યરાવ (ઉ.૪૨)ને તેના સસરા ચીબુસ્વામી અને સાળા શિવાએ પાઇપથી માર મારતાં  સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. રામણીગમના કહેવા મુજબ તેના બનેવી બહેનને મુકીને જતાં રહ્યા હોઇ તે બાબતે સસરા અને સાળાને વાત કરતાં બંનેએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(11:44 am IST)