રાજકોટ
News of Thursday, 31st October 2019

બજ રહે હૈ ઢોલ ઔર ગુંજ રહી શહનાઈયા, શાદી હૈ આપ કી, આપ કો લાખ બધાઈયા...

તા. ૨૦ નવેમ્બરથી લગ્નોત્સવઃ આ વર્ષે મકરસંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ

૨૦ નવેમ્બરથી ૧૨ ડીસેમ્બર સુધીમાં ૧૧ મુહુર્તોઃ લગ્નોત્સવનો બીજો તબક્કો ૧૮ જાન્યુઆરીથીઃ માર્ચમાં માત્ર બે જ દિવસ (તા. ૧૧, ૧૨) લગ્ન

રાજકોટ, તા. ૩૧ :. ગુજરાતમાં દિવાળીના તહેવારો ધામધૂમથી ઉજવાયા બાદ હવે નૂતન વર્ષના આશાભર્યા દિવસો શરૂ થઈ ગયા છે. ટૂંક સમયમાં જ લગ્નોત્સવની મોસમના શ્રીગણેશ થનાર છે. લગ્નોત્સવનો પ્રથમ તબક્કો ૨૦ જાન્યુઆરીથી ૧૨ ડીસેમ્બર સુધીનો છે. જાન્યુઆરીમાં તા. ૧૮થી લગ્નનો બીજો તબક્કો શરૂ થશે. આ વર્ષે મકર સંક્રાંતિ તા. ૧૪ના બદલે ૧૫ જાન્યુઆરીએ આવી રહી છે. મકર સંક્રાંતિની તારીખ બદલાતી હોય તેવુ ઘણા વર્ષો બાદ બની રહ્યુ છે.  શાસ્ત્રી શ્રી લલિતકુમાર એલ. ભટ્ટના જણાવ્યા મુજબ આ વખતે મકર સંક્રાંતિ પહેલા પ્રથમ તબક્કે લગ્નોત્સવના ૧૧ મુહુર્તો છે. બીજા તબક્કે તા. ૧૮ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી લગ્નોત્સવ છે. આ વર્ષે માર્ચમાં (ફાગણ માસ) માત્ર લગ્નના બે જ મુહુર્ત છે. સામાન્ય રીતે મકર સંક્રાંતિ ૧૪ જાન્યુઆરીએ આવતી હોય છે. ભૂતકાળમાં મકર સંક્રાંતિ આવ્યાના દાખલા પણ છે. આ વર્ષે શાસ્ત્રોકત દ્રષ્ટિએ સૂર્યની ગતિ ધીમી હોવાથી મકર સંક્રાંતિ તા. ૧૪ના બદલે ૧૫ જાન્યુઆરીએ બુધવારે ઉજવાશે. પ્રથમ તબક્કાના લગ્નોત્સવના મુહુર્તો નીચે મુજબ છે.

તા. ૨૦ નવેમ્બર બુધવાર

તા. ૨૧ નવેમ્બર ગુરૂવાર

તા. ૨૮ નવેમ્બર ગુરૂવાર

તા. ૦૧ ડીસેમ્બર રવિવાર

તા. ૦૨ ડીસેમ્બર સોમવાર

તા. ૦૩ ડીસેમ્બર મંગળવાર

તા. ૦૬ ડીસેમ્બર શુક્રવાર

તા. ૦૮ ડીસેમ્બર રવિવાર

તા. ૧૧ ડીસેમ્બર બુધવાર

તા. ૧૨ ડીસેમ્બર ગુરૂવાર

તા. ૧૪ ડીસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી કમુહુર્તા હોવાથી તે સમયગાળામાં લગ્નના કોઈ શુભ મુહુર્તો નથી. મકર સંક્રાંતિ પછી લગ્નોત્સવનો તા. ૧૮ જાન્યુઆરીથી પ્રારંભ થશે અને ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે. તા. ૩ માર્ચથી હોળાષ્ટક બેસે છે. માર્ચ મહિનામાં (ફાગણ માસ) માત્ર તા. ૧૧ અને ૧૨ માર્ચ બે જ દિવસ લગ્નના મુહુર્તો છે.

(11:25 am IST)