રાજકોટ
News of Thursday, 31st October 2019

રાજકોટ PGVCLના ઇજનેર કુશાલ શાહ અને પિતાનું અકસ્માતમાં મોત

જેતપુરના સાંકળી ગામના પાટીયા પાસે કાર ડિવાઇડર સાથે અથડાઇ ખાડામાં ઉતરી ગઇઃ માતા-પુત્રી અને જમાઇને ઇજા થતા રાજકોટ રીફર કરાયાઃ જૈન પરિવારમાં તહેવારની ખુશી માતમમાં ફેરવાઇ :રાજકોટ સ્થિત કુશાલ શાહ જેતપુર રહેતા પિતા દિપકભાઇને ત્યાં તહેવારમાં ગયા બાદ પરિવાર સાથે વંથલી માતાજીના દર્શને જતા'તાને અકસ્માત નડયો

પિતા-પુત્રની જોડી તસ્વીરમાં જ રહી ગઇ :.. જેતપુર પાસે અકસ્માતમાં મોતને ભેટનાર રાજકોટ પીજીવીસીએલ.ના એન્જીનીયર કુશાલ શાહ અને તેના પિતા દિપકભાઇની  ફાઇલ તસ્વીર જયારે બાજુની તસ્વીરમાં ઇજાગ્રસ્તો નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા. ૩૧: જેતપુરના સાંકળી ગામના પાટીયા પાસે આઇટેન કાર ડિવાઇડર સાથે અથડાઇ ફંગોળાઇ રોડ નીચે ઉતરી જતા કારમાં બેઠેલા રાજકોટ પીજીવીસીએલના એન્જીનીયર અને જેતપુર સ્થિત તેના પિતાનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અકસ્માતમાં અન્ય ત્રણને ઇજા થતા રાજકોટ ખસેડાયેલ છે.

બનાવની વિગત એવી છે કે રાજકોટ પીજીવીસીએલમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કુશાલભાઇ દિપકભાઇ શાહ (રહે. ગોંડલ રોડ ગાયત્રીનગર) (મુળ જેતપુર) તેમના બહેન રીધ્ધી બહેન નિર્મળભાઇ ખખ્ખર તથા બનેવી નિર્મળભાઇ અશ્વીનભાઇ ખખ્ખર જેતપુર આવેલ ગઇકાલે વંથલી ખાતે તેમના માતાજી હોય ત્યાં દર્શનાર્થે જવાનું નકકી થતાં ખુશાલભાઇના પિતા દિપકભાઇ ભગવતરાય શાહ કેમીકલના વેપારી તથા તેના પત્નિ ભારતીબહેન દિપકભાઇ શાહ (રહે. બન્ને જેતપુર મોટા ચોક) તમામ લોકો ખુશાલભાઇની આઇ-૧૦ કાર લઇ સાંજના સમયે વંથલી જવા નીકળેલ દરમ્યાન તાલુકાના સાંકળી ગામના પાટીયા નજીક કાર ડીવાઇડર સાથે અથડાતા ફંગોળાય રોડની સાઇડમાં આવેલ ખાડામાં ઉતરી ગયેલ કાર ખાડામાં ઉંધી થઇ ગયેલ હોય કોઇપણ વ્યકિત બહાર નીકળી શકે તેમ ન હતી અને આ અકસ્માતમાં કુશાલ શાહ રે. રાજકોટ તથા તેના પિતા દિપકભાઇ રે. જેતપુરનું મોત નીપજયું હતું.

અકસ્માત અંગેની જાણ ગામ લોકોને થતાં સેવાભાવી લોકોએ બનાવના સ્થળે પહોંચી કારને ટ્રેકટર સાથે બાંધી ખેંચી પાછલી સીટ પર બેઠેલ નિર્મળભાઇ તેના પત્નિ રિધ્ધી બહેન તેના સાસુ ભારતી બહેનને ઇજાઓ થયેલ હોય ચીસાચીસ કરતા હોય તેઓને ૧૦૮ મારફત સારવાર અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડેલ તાલુકા પોલીસના એમ. એફ. ચૌહાણ ઘટના સ્થળે પહોંચી ડ્રાઇવીંગ સીટ પર બેસેલ કુશાલભાઇ તેમજ તેમના પિતા બન્નેનું મોત નિપજયું હોવાનું માલુમ પડતા કારનું સ્ટીયરીંગ તોડી મૃતદેહને બહાર કાઢી પી.એમ. અર્થે સીવીલ હોસ્પીટલે ખસેડેલ અકસ્માતની જાણ થતા શહેરના જૈન સમાજમાં અરેરાટી વ્યાપી ગઇ હતી જૈન અગ્રણી જીતુભાઇ દેશાઇ, રસિકભાઇ પડીયા, દિલીપભાઇ દેશાઇ, વિનુભાઇ કમાણી સહિતના લોકો હોસ્પીટલે ઉમટી પડેલ હતા.

અકસ્માતમાં ઇજા પામેલ નિર્મળભાઇ તેમના પત્નિ રિદ્ધિ બહેન સાસુ ભારતીબેનને ફ્રેકચર જેવી ઇજાઓ થયેલ હોય પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ જેમાં રિદ્ધિ બહેન ગર્ભવતી છે.

અકસ્માતમાં કુશાલભાઇનું મોત નિપજતા તેમની દોઢવર્ષની પુત્રી ''યામી''એ પીતાની છત્ર છાયા ગુમાવી છે પીતા પુત્રના મોતથી નોંધારા બનેલ શાહ પરીવારમાં આ ઘેરાશોકની લાગણી છવાય ગઇ છે.

કોઇપણ અકસ્માત સમયે કે બીન વારસી મૃતદેહની અંતિમ વીધી માટે સેવા બજાવતા હારૂનભાઇ રફાઇ, ત્રિકમભાઇ રાઠોળ, અશોકભાઇ ભરવાડ બનાવના સ્થળે પહોંચી મૃતદેહોને હોસ્પીટલ ખાતે લાવેલ હતા.

(3:03 pm IST)