રાજકોટ
News of Saturday, 31st July 2021

મુંબઇથી દિલ્હી જતી ફલાઇટ હાઇજેકઃ રાજકોટમાં ઇમર્જન્સી લેન્ડીંગઃ ત્રણ ત્રાસવાદીને પકડી લેવાયા

પ્લેનમાં ૨૬ મુસાફરો હતાં: ત્રણ ત્રાસવાદીઓએ ફલાઇટ હાઇજેક કરી હતીઃ ત્રણેયને પકડી લેવાયાઃ ૧ કલાક ૨૦ મિનીટનો ઘટનાક્રમ મોકડ્રીલ જાહેર કરાયો : એરપોર્ટ ઓથોરિટીએ જાણ કરતાં જ શહેર પોલીસ અધિકારીઓ, ટીમો પહોંચી ગઇઃ ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડની ટીમો પણ દોડી ગઇ'તી

તસ્વીરમાં એરપોર્ટ ઓથોરિટી, શહેર પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડની ટીમો અને મુસાફરો તથા ફલાઇટના ક્રુ મેમ્બર્સને હેમખેમ બહાર કઢાયા તે દ્રશ્યો અને એરપોર્ટ ઓથોરિટી, ફાયર બ્રિગેડની ટીમ તથા પોલીસ અધિકારીઓ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) 

રાજકોટ તા. ૩૧: શહેરના એરપોર્ટમાં આજે આતંકવાદીઓએ ઘુસી જઇ મુસાફર સાથેનું પ્લેન હાઇજેક કરી લઇ આ બધાને મુકત કરવાના બદલામાં ૬૦૦ કરોડની માંગણી કરી તેમજ બે આતંકવાદીઓ જેલમાં હોઇ તેને મુકત કરવાની માંગણીઓ કરી હતી. હાઇજેકીંગની ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટીની ટીમો હરકતમાં આવી ગઇ હતી. પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ થતાં પોલીસ અધિકારીઓ અને અલગ અલગ ટીમો, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડનો કાફલો પણ દોડી ગયો હતો. એરપોર્ટ સિકયુરીટીની ટીમો અને સ્થાનિક પોલીસે જો કે સમગ્ર ઓપરેશન પાર પાડી ત્રણ આતંકીને દબોચી લીધા હતાં અને બંધકોને હેમખેમ મુકત કરાવ્યા હતાં. ૧૦:૩૦ થી ૧૧:૫૨ સુધી ચાલેલી આ કાર્યવાહી મોકડ્રીલ હોવાનું બાદમાં જાહેર થયું હતું.

બે આતંકીઓએ એરપોર્ટમાં ઘુસી પ્લેન હાઇજેક કરી લીધાની જાણ થતાં જ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા, પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, ડીસીબીની ટીમો, એસઓજીના પીએસઆઇ એમ. એસ. અન્સારી સહિતનો કાફલો અને બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડે પણ પહોંચી જઇ એરપોર્ટ સિકયુરીટી એજન્સી સાથે મળી ઓપરેશન હાથ ધરતાં ત્રણ આતંકીઓ સરન્ડર થઇ ગયા હતાં.

મુંબઇથી દિલ્હી જવા ફલાઇટ ઉપડી ત્યાં જ હાઇજેક કરી લેવાઇ હતી અને રાજકોટ ઇમર્જન્સી લેન્ડીૅગ કરાયું હતું. આ પ્લેનમાં ૨૬ મુસાફરો હતાં. બંધકોને મુકત કરાવવામાં આવ્યા બાદ મોકડ્રીલ જાહેર થતાં સોૈએ હાશકારો લીધો હતો.

સમયાંતરે એરપોર્ટ તંત્ર દ્વારા આવી મોકડ્રીલ યોજી સિકયુરીટી એજન્સી તેમજ  શહેર પોલીસ તંત્ર અને બીજા સ્ટાફને એલર્ટ રાખવામાં આવે છે. સાથો સાથ પ્રજાજનો પણ જાગૃત થાય તેવો પ્રયાસ હોય છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, મોલ સહિતના સ્થળોએ અવાર નવાર પોલીસ તંત્ર તથા બીજા તંત્રો દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.

(3:29 pm IST)