રાજકોટ
News of Saturday, 31st July 2021

સતત બીજા દિવસે પોલીસની ફરજમાં રૂકાવટની ઘટનાઃ નામીચો શખ્સ સકંજામાં

નવાગામ રંગીલામાં સંજય ઉર્ફ ટકાએ બકાલાવાળાને ફટકારી રેંકડી ઉંધી નાંખીઃ પોલીસમેનને વીખોડીયા ભરી પથ્થરમારો કર્યો

બકાલી ગનુબેન ડાભીને રેંકડી હટાવવા કહી તેને તથા તેના પુત્ર લાલજીને લાકડીથી ફટકારી ધમકી દીધીઃ પોલીસ આવતાં કોન્સ. યોગેશભાઇ પરમારને વીખોડીયા ભરી પાણો ફટકારી ઇજા કરીઃ મારામારી અને ફરજમાં રૂકાવટના બે ગુના : નવાગામમાં નામચીનનો છાપ ધરાવતો સંજય ઉર્ફ ટકો અનેકવાર પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને થોડા દિવસો પહેલા જ પાસામાંથી છુટ્યો છે

રાજકોટ તા. ૩૧: શહેરમાં સતત બીજા દિવસે પોલીસની ફરજમાં રૂકાવટનો બનાવ બન્યો છે. નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં અને નામચીનની છાપ ધરાવતાં સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા નામના ૩૫ વર્ષના કોળી શખ્સે શાકભાજીની લારી હટાવી લેવાનું કહી દાદાગીરી કરી શાકભાજીવાળા મહિલા અને તેના પુત્રને લાકડીથી માર મારી ધમકી દઇ રેંકડી ઉંધી નાંખી દઇ ધમાલ મચાવતા પોલીસની ગાડી પહોંચતા પોલીસમેન સાથે પણ આ શખ્સે બખેડો કરી વિંખોડીયા ભરી લઇ તેના પર પથ્થરમારો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે તેને દબોચી લઇ બે ગુના નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ યોગેશભાઇ કાંતિલાલ પરમારની ફરિયાદ પરથી નવાગામ રંગીલા સોસાયટી ચામુંડા પાનવાળી શેરીમાં રહેતાં સંજય ઉર્ફ ટકો વાઘજીભાઇ રોજાસરા સામે આઇપીસી ૩૩૨, ૧૮૬, ૩૩૭, ૩૨૩ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કોન્સ. યોગેશભાઇ પરમાર અને સાથે મેહુલભાઇ, એસઆરપી નિદેશભાઇ અને જીઆરડી જવાન કન્ટ્રોલ રૂમ તરફથી કોલ મળતાં નવાગામ રંગીલામાં ગયા હતાં. સંજય ઉર્ફ ટકાની ઘરવાળી દક્ષાબેને ફોન કરી ફરિયાદ કરી હતી કે બકાલાવાળા પોતાની ઘરે માથાકુટ કરવા આવે છે.

પોલીસે ત્યાં જઇ તપાસક રતાં સંજય ઉર્ફ ટકાને કોઇ મારવા આવતું નહિ હોવાનું પણ એ પોતે જ બકાલાના ધંધાર્થી રંગીલા સોસાયટી પંચવટી પાર્ક-૧માં રહેતાં ગનુબેન મનસુખભાઇ ડાભી (કોળી) (ઉ.વ.૩૮) સાથે ડખ્ખો કરી આવ્યાનું ખુલ્યું હતું. પોલીસ આવતાં ગનુબેને જણાવ્યું હતું કે પોતે અને પુત્ર લાલજી રંગીલા મેઇન રોડ પર શંકર ભગવાનના મંદિર પાસે બકાલાની લારી રાખી ઉભા હોઇ સંજય ઉર્ફ ટકાએ આવી રેંકડી હટાવી લેવાનું કહી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી અને પોતાને તથા પુત્રને લાકડીથી માર મારી રેંકડી ઉંધી નાંખી નુકસાન કર્યુ છે.

આથી પોલીસે સંજય ઉર્ફ ટકાને ખોટો ફોન કરવા બાબતે પુછતાછ કરતાં તેણે પોલીસમેન યોગેશભાઇ સાથે ઝપાઝપી કરી લઇ તેને વીંખોડીયા ભરી લીધા હતાં. તેમજ પથ્થરનો ઘા કરતાં યોગેશભાઇને ડાબા હાથની આંગળીમાં ઇજા થઇ હતી. તેમજ વીંખોડીયાને કારણે કોણીમાં ઇજા પહોંચી હતી. સંજય ઉર્ફ ટકા સામે ફરજમાં રૂકાવટનો અને ગનુબેન ડાભીની ફરિયાદ પરથી મારામારીનો એમ બે ગુના દાખલ કરાયા છે. પીએસઆઇ જે. કે. પાંડાવદરા વધુ તપાસ કરે છે.

સંજય ઉર્ફ ટકો અગાઉ પણ અનેક વખત મારામારી, દારૂ સહિતના ગુનામાં  પોલીસ ચોપડે ચડી ચુકયો છે. થોડા દિવસો પહેલા જ પાસામાંથી છુટ્યો છે. ફરીથી તેણે લખણ ઝળકાવતાં પોલીસે વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(1:04 pm IST)