રાજકોટ
News of Thursday, 31st May 2018

બજરંગવાડીમાં બિલાલખાનની હત્યાના આરોપીની વચગાળાની જામીન અરજી રદ

ગુનાહિત ઈતિહાસ ધરાવતા નામચીન ફિરોજ ઉર્ફે આદીલે અરજી કરી હતી

રાજકોટ, તા. ૩૧ :. અહીંના ભોમેશ્વર વિસ્તારમાં ૧૮ વર્ષના વિદ્યાર્થી બિલાલખાન શબ્બીરખાન પઠાણની છરીનો ઘા મારીને હત્યા કરવા અંગે પકડાયેલ જામનગર રોડ ઉપર આવેલ વાંકાનેર સોસાયટીમાં રહેતા ફિરોઝ ઉર્ફે આદીલ હનીફ જુણેજાએ વચગાળાના જામીન પર છોડવા માટે કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી ઠક્કરે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આરોપી ફિરોઝ તા. ૨૮-૫-૧૧ના રોજ અહીંના બજરંગવાડી વિસ્તારમાં વિદ્યાર્થી બિલાલખાન પઠાણની છરીના ઘા મારીને હત્યા કરી હતી.

આ ગુનામાં આરોપી જેલમાં હોય તેના પુત્રની સ્કૂલ ફી ભરવા સહિતની તેના અભ્યાસને લગતી કામગીરી કરવા અંગે ટેમ્પરરી જામીન પર છૂટવા અરજી કરતા સરકારી વકીલ મહેશભાઈ જોષીએ રજુઆત કરેલ કે આરોપી ગુનાહીત ઈતિહાસ ધરાવે છે. તેની સામે ૨૯ જેટલા ગુનાઓ નોંધાયા છે. અગાઉ પણ પત્નિની ડીલીવરીના મુદ્દે વચગાળાના જામીન મેળવેલ. આમ વિવિધ કારણો બતાવી અવારનવાર ટેમ્પરરી જામીન મેળવવા અરજી કરે છે. આરોપી સામે ખૂન જેવો ગંભીર ગુન્હો હોય અરજી રદ કરવી જોઈએ.

ઉપરોકત રજૂઆત અને ગુનાહીત ઈતિહાસ ધ્યાને લઈને અધિક સેસન્સ જજ શ્રી ઠક્કરે આરોપીની વચગાળાના જામીન મળવાની અરજી રદ કરી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. મહેશભાઈ જોષી રોકાયા હતા.

(4:25 pm IST)