અજયસિંહે સિગારેટ લાવવાની ના કહેતાં પટેલ પિતા-પુત્રોની ધોકાવાળી
કોઠારીયા રોડના મણીનગરમાં રાત્રે ધબધબાટી
રાજકોટ તા. ૩૧: કોઠારીયા રોડ પર સિતારામ સોસાયટીમાં રહેતાં દરબાર યુવાનને રાત્રે મણીનગરમાં હતો ત્યારે પટેલ શખ્સે સિગારેટ લઇ આવવાનું કહેતાં તેણે ના પાડતાં આ શખ્સે તેના ભાઇ અને પિતા સાથે મળી ધોકા-તલવારથી હુમલો કરતાં દરબાર યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું.
સિતારામ સોસાયટી-૧૦માં રહેતો અને છુટક કામ કરતો અજયસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.૨૧) રાત્રે દસેક વાગ્યે કોઠારીયા રોડ મણીનગરમાં હતો ત્યારે રાજુ ઉર્ફ લાલો સભાયા પટેલ અને તેના ભાઇ શ્યામ સભાયા તથા બંનેના પિતા દિપક સભાયાએ ઝઘડો કરી ધોકા-તલવારથી હુમલો કરી ઇજા કરતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ એ.વી. પીપરોતરે ફરિયાદ નોંધી હતી. અજયસિંહના ભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. તેના કહેવા મુજબ તેના ભાઇ અજયસિંહને રાજુએ સિગારેટ લાવવાનું કહેતાં ભાઇએ ના પાડતાં આ ડખ્ખો થયો હતો. પોલીસે ત્રણેયની ધરપકડની તજવીજ આદરી છે.