રાજકોટ
News of Tuesday, 30th November 2021

છગને ધારીયાનો ઘા કરતાં ઝઘડો વકર્યો ને ધર્મેશે છરી ઝીંકી દીધીઃ આરોપી રસુલશાની વળતી ફરિયાદ

નવાગામમાં કરડતાં કૂતરા બાબતે ફરિયાદ કરવા જતાં હત્યાની ઘટનામાં ૪ આરોપી પકડાયાઃ પાંચમાને હોસ્પિટલમાંથી રજા અપાયે ધરપકડ થશે

રાજકોટ તા. ૩૦: કુવાડવા રોડ સાત હનુમાન પાછળ નવાગામ આણંદપર સોખડા રોડ પર રહેતાં ભરવાડ યુવાન છગન ઘેલાભાઇ ઝાપડા (ઉ.વ.૨૪)ની હત્યામાં કુવાડવા રોડ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે પૈકી એક આરોપી કાદરશા રસુલશા ફકીર (ઉ.૨૭)એ પણ હત્યાનો ભોગ બનનાર છગન ઝાપડા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. છગને દૂકાને ભેગા થતાં કૂતરા બાબતે ઠપકો આપી ધારીયાનો ઘા કરી લેતાં ઝઘડો વકરતાં ધર્મેશે તેને છરી મારી દીધાનું જણાવાયું છે.

પોલીસે હત્યાના ગુનામાં કાદરશા રસુલશા ફકીર (ઉ.૨૩-રહે. માલિયાસણ મદ્રેસા પાછળ, મુળ કાજરડા તા. માળીયા મિંયાણા), તેના કાકા ગુલામહુશેન મામદશા ફકીર (ઉ.૩૦-રહે. હાલ માલિયાસણ, મુળ કાજરડા), ધર્મેશ ઉર્ફ ધમો રમેશભાઇ પરમાર (ઉ.૨૧-રહે. સાત હનુમાન પાછળ સોખડા રોડ) અને રવિ મોહનભાઇ પરમાર (ઉ.૨૦-રહે. સોખડા રોડ)ની ધરપકડ કરી છે. પાંચમો આરોપી અસલમશા રસુલશા ફકીર ધારીયાથી છગને કરેલા હુમલામાં ઘાયલ થયો હોઇ સારવાર હેઠળ છે. તેને રજા અપાયે ધરપકડ થશે.

દરમિયાન પકડાયેલા પૈકીના કાદરશાએ મૃતક છગન સામે વળતી ફરિયાદ નોંધાવી છે. કાદરશાએ જણાવ્યું છે કે સોખડા રોડ પર અમારે ચીકન, મટન, મચ્છીની દૂકાન છે. જ્યાં હું અને ભાઇ અસલમશા બેસીએ છીએ. આ દૂકાન સોમીબેન પરમારની છે. જે અમે ભાડે રાખી છે. સોમીબેન મારા મિત્ર ધર્મેશ પરમારના દાદી થાય છે. ધર્મેશ ઉપરાંત રવિ પણ મારો મિત્ર હોઇ આ બંને પણ સાજે દૂકાને બેસતા હોય છે. મારા કાકા ગુલામહુશેનને લાલપરીમાં મટનનીલારી છે. તે સાંજે દૂકાન બંધ કરી અમારી દૂકાને બેસે છે.

રવિવારે રાતે દૂકાન પાસે રહેતો છગન ભરવાડ ધારીયુ લઇને આવ્યો હતો અને 'તમારી મટનની દૂકાનને કારણે કૂતરા કરડવાનો ત્રાસ રહે છે, મારા કાકાને પણ કુતરૂ કરડી ગયું છે' તેમ કહી અમારી સાથે બોલાચાલી કરતાં ઝઘડો થતાં છગને ધારીયાનો ઘા મારા ભાઇ અસલમના માથામાં મારી દીધો હતો. મને ધક્કો મારતાં હું દિવાલમાં ભટકાયો હતો. ત્યાં ધર્મેશે છરી કાઢી છગનને પેટમાં મારી દેતાં તે પડી ગયો હતો. એ પછી અમે ભાગી ગયા હતાં. બાદમાં મારા ભાઇ અસલમને હોસ્પિટલે લઇ ગયા હતાં. બાદમાં અમને ખબર પડી હતી કે છગનભાઇનું મોત થયું છે.

પીઆઇ એન. એન. ચુડાસમા તથા પીએસઆઇ વી. કે. ગઢવી, પીએસઅઇ આર. વાય. રાવલ, પીએસઆઇ પી. જી. રોહડીયા, હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, અરવિંદભાઇ મકવાણા, કિશોરભાઇ પરમાર, કોન્સ. મુકેશ સબાડ, દેવેન્દ્રસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, રઘુવીર ઇશરાણી, કોન્સ. હરેશ સારદીયા અને ડીસીબી-એસઓજીની ટીમોએ આરોપીઓને પકડ્યા હતાં.

(11:21 am IST)