રાજકોટ
News of Monday, 30th November 2020

રામકૃષ્ણનગરમાં પટેલ વેપારીના બંગલોમાં થયેલી ૮ લાખની ચોરીમાં પિયુષ અને નારણ પકડાયા

બંને સોની બજારમાં ચોરાઉ ઘરેણા વેંચવા નીકળ્યા ને એ-ડિવીઝન પોલીસે દબોચી લીધાઃ સુત્રધાર આનંદ સિતાપરાની શોધખોળઃ મોટા રેઢા બંગલાઓમાં જ ચોરી કરવાની ટેવ : એક આરોપી પિયુષને કોરોના પોઝિટિવ આવ્યો : કોન્સ. રામભાઇ આહિર, રાહુલભાઇ ગોહેલ, હરપાલસિંહ જાડેજા અને જગદીશભાઇ વાંકની બાતમી

રાજકોટ તા. ૩૦: રામકૃષ્ણનગર-૧૩માં રહેતાં પટેલ વેપારી જીતેન્દ્રભાઇ વાલજીભાઇ પરસાણાના નિલય બંગલોમાં ૧૭મીએ તાળા તોડીને ૮ લાખની માલમત્તાની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી નાંખી નારણ જેસીંગ સિતાપરા (રહે. કુવાડવા ગામ) તથા તેના સાગ્રીત પિયુષ વિનુભાઇ અમરેલીયા (રહે. ગોંડલ રોડ ચોકડી રિધ્ધી સિધ્ધી સોસાયટી)ને સોની બજારમાં ચોરાઉ માલ વેંચવા આવતાં પકડી લેવાયા છે. સુત્રધાર રીઢો ચોર નારણનો ભાઇ આનંદ જેસીંગ સિતાપરા હાથમાં આવ્યો ન હોઇ શોધખોળ થઇ રહી છે.

આનંદનો ભાઇ નારણ અને સાગ્રીત માંડવી ચોકમાં ચોરાઉ માલ વેંચવા આવ્યાની બાતમી રામભાઇ આહિર, રાહુલભાઇ ગોહેલ, હરપાલસિંહ જાડેજા અને જગદીશભાઇ વાંકને મળતાં પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, બી.વી. ગોહિલ, ડી. બી. ખેર, હારૂનભાઇ ચાનીયા, મેરૂભા ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, નરેશભાઇ ઝાલા સહિતે બંનેને પકડી લઇ બે લાખની રોકડ તથા ૪૭ હજારનું સોનુ કબ્જે કર્યુ છે. બાકીની મત્તા આનંદ લઇને ભાગી ગયાનું બંનેએ રટણ કર્યુ છે.

આનંદ રીઢો તસ્કર છે અને મોટા મોટા બંધ બંગલોમાં ચોરી કરવાની અને મોજશોખ કરવાની ટેવ ધરાવે છે. પિયુષ ગોંડલ રોડ પર ડાયનીંગ હોલમાં કામ કરે છે. તે પણ અગાઉ ચોરીમાં સંડોવાઇ ચુકયો છે. પિયુષને કોરોના પોઝિટિવ આવતાં દાખલ કરવામાં આવ્યો છે.

(3:45 pm IST)